નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર પછી શરદ પવાર જૂથે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. શરદ જૂથે કરેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે અજિત પવારે વિધાનસભા ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને નજરઅંદાજ કરી છે. કોર્ટના નિર્દેશ છતાં ચૂંટણીમાં ઘડિયાળ ચિહ્ન અને પાર્ટીના નામનું ડિસ્ક્લેમર નહોતું લગાવ્યું.
NCP (શરદ પવાર જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) ચૂંટણી પ્રતીક વિવાદની સુનાવણી પહેલાં શરદ પવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામામાં તેમણે કહ્યું છે કે અજિત પવારે ઘડિયાળ ચૂંટણી ચિહ્નને લઈને મતદારોના મનમાં ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘડિયાળના ચૂંટણી ચિહ્ન સાથે જોડાયેલી સદભાવનાનો અયોગ્ય લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શરદ પવારે આરોપોને સાબિત કરવા માટે છ દસ્તાવેજો રજૂ કરવાની પરવાનગી માગી હતી.
શું છે મામલો?
અજિત પવારે હાલમાં 40 ધારાસભ્યો સાથે એકનાથ શિંદેની આગેવાની હેઠળની ભાજપ-શિવસેના (શિંદે જૂથ) સરકારમાં જોડાયા હતા. અજિત પવારને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા. આ મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો.
કોર્ટે અજિત પવાર જૂથને ચૂંટણી માટે NCP પાર્ટીના નામ અને ‘ઘડિયાળ’ ચૂંટણી ચિહ્નના ઉપયોગને મંજૂરી આપી હતી. શરદ પવાર જૂથે તેનો વિરોધ કર્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. શરદ પવારે અજિત પવારના જૂથ પર NCPના નામ અને ચિહ્નનો ઉપયોગ કરીને કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શરદ પવારના જૂથને માત્ર 10 બેઠક મળી હતી. નિષ્ણાતોનું માનવું છે કે ઘણી બેઠક પર પાર્ટીના નબળા પ્રદર્શનનું કારણ ચૂંટણી ચિહ્ન હોઈ શકે છે.