શાહીનબાગમાં ગોળી ચલાવનારના પિતાએ આપ્યું નવું નિવેદન અને થયો વિવાદ

નવી દિલ્હીઃ સીએએ વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનમાં હવામાં ગોળીબાર કરનાર કપિલ ગુજ્જરના પિતાએ એક નિવેદન આપતા વિવાદ થયો છે, તેમણે દાવો કર્યો છે કે મારો પુત્ર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સમર્થક છે. જો કે તેમણે આ પહેલા દાવો કર્યો હતો કે અમારા પુત્રને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. પોલીસે જણાવ્યું હતું કે, શાહીનબાગમાં ગોળી ચલાવનારા 25 વર્ષીય કપિલ ગુજ્જરે આમ આદમી પાર્ટીનો સભ્ય હોવાનું સ્વિકાર્યું છે. પોલીસે ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા હતા, જે મામલે તેમણે જણાવ્યું હતું કે આ ફોટોઝ કપિલના ફોનમાંથી મળ્યા છે જેનાથી તે આપનો સદસ્ય હોવાનું સાબિત થાય છે. ફોટોગ્રાફ્સમાં કપિલ પાર્ટીની ટોપી પહેરીની આતિશી અને સંજય સિંહ જેવા આપ નેતાઓ સાથે દેખાઈ રહ્યો છે.

કપિલના પિતા અને ભાઈએ દિલ્હીમાં સત્તારુઢ આપ પાર્ટી સાથે કોઈ પ્રકરનો સંબંધ ન હોવાની વાત કહી હતી. કપિલના પિતા ગજે સિંહે કહ્યું હતું કે, ન મારો અને ન તો મારા પુત્રનો આપ સાથે કોઈ સંબંધ છે. તેઓ ગત વર્ષે લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા અને બધાને આમ આદમી પાર્ટીની ટોપી પહેરાવી હતી.

દિલ્હી વિધાવસભા ચૂંટણી માટે શનિવારે (8 ફેબ્રુઆરી) ના રોજ થવા જઈ રહેલા મતદાનથી માત્ર ત્રણ દિવસ પહેલા કપિલ ગુજ્જરના સંદર્ભમાં પોલીસના નિવેદનથી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાક્યુદ્ધ શરુ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના સંજય સિંહે પોલીસ પર ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર કામ કરવાનો આરોપ લગાવ્યો, તો ભાજપે દાવો કર્યો કે પુરાવાઓથી અમારો દાવો સાચો સાબિત થાય છે કે આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ જ આ વિરોધ પ્રદર્શનો પાછળ જવાબદાર છે.