માઇગ્રન્ટ્સની સમસ્યાઃ મમતાની મમત અને અમિત શાહનો પત્ર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે કેટલાય ચકમક થતી જ રહે છે. હવે પ્રવાસી મજૂરોને લઈને બંને સામસામે આવી ગયા છે. ગૃહપ્રધાન અમિત શાહે બંગાળનાં મુખ્ય પ્રધાનને એક પત્ર લખ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે પ્રવાસી મજૂરોને ટ્રેનથી ઘેર પહોંચવામાં મમતા સરકાર કેન્દ્રની મદદ નથી કરી રહી. તેમણે કહ્યું હતું કે બંગાળ સરકાર ટ્રેનને રાજ્યમાં પ્રવેશ નથી કરવા દેતી.

શાહે મમતા બેનરજીને આડે હાથ લીધા

એક બાજુ કેટલીક રાજ્ય સરકારો પ્રવાસી મજૂરો માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી રહી છે, ત્યારે બંગાળ સરકાર આવું કોઈ વ્યવસ્થા નથી કરી રહી. મુખ્ય પ્રધાન મમતા બેનરજીને લખેલા પત્રમાં કહ્યું હતું કે પ્રવાસીઓને ઘેર પહોંચવામાં મદદ કરવા માટે રાજ્ય સરકારનો સહયોગ નથી મળી રહ્યો. બંગાળ સરકાર રાજ્યમાં પ્રવાસીઓને ટ્રેન સુધી નથી પહોંચવા દેતી. પશ્ચિમ બંગાળ સુધી ટ્રેનો નહીં આવવા દેવા પ્રવાસી મજૂરોની સાથે અન્યાય છે. એ આ મજૂરો સામે વધુ મુશ્કેલીઓ ઊભી કરે છે.  

શાહે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કેન્દ્રની મદદથી બે લાખથી વધુ મજૂરોને તેમના રાજ્યમાં પહોંચાડ્યા છે.  આ પત્રમાં શાહે કહ્યું હતું કે પશ્ચિમ બંગાલમાં હાલ પ્રવાસી મજૂરો ઘેર પહોંચવા ઉત્સુક છે અને કેન્દ્ર સરકાર પણ ટ્રેન સેવાઓની સુવિધા આપી રહી છે, પણ પશ્ચિમ બંગાળથી અપેક્ષિત સમર્થન નથી મળી રહ્યું. રાજ્ય સરકાર ટ્રેનને બંગાળ પહોંચવાની મંજૂરી નથી આપી રહી.

બંગાળના પ્રવાસી મજૂરોને પાછા લેવાની અપીલઃ અધીર રંજન

ગૃહપ્રધાન અમિત શાહના પત્ર પછી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ ગૃહપ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરી હતી. તેમણે મને જણાવ્યું હતું કે તેઓ બંગાળ સરકારને સતત પૂછી રહ્યા છે કે તેમને પ્રવાસી મજૂરોને પાછા લાવવા માટે કેટલી ટ્રેનોની જરૂર છે, પણ બે દિવસ પહેલાં સુધી રાજ્ય સરકારે કોઈ યાદી નહોતી મોકલી.