નવી દિલ્હીઃ વર્ષ 2023માં ‘પઠાણ’ અને ‘જવાન’ બાદ શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ ‘ડંકી’એ પણ ધૂમ મચાવી છે. આ ફિલ્મ ગઈ 21 ડિસેમ્બરથી દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક રાજકુમાર હિરાનીની આ કોમેડી ફિલ્મ ગેરકાયદેસર ઈમિગ્રેશન (હ્યુમન ટ્રાફિકિંગ-માનવ તસ્કરી)ના દૂષણના વિષય પર આધારિત છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત તાપસી પન્નૂ, બોમન ઈરાની, અનિલ ગ્રોવર, વિક્રમ કોચર પણ મુખ્ય ભૂમિકામાં છે. વિકી કૌશલ વિશેષ ભૂમિકામાં છે.
આ ફિલ્મનો સ્પેશિયલ શો આજે (24 ડિસેમ્બરે) રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવનાર હોવાનો અહેવાલ છે. આ ફિલ્મ ગેરકાયદેસર ઈમિગ્રેશન અને વિદેશમાં ભારતીય નાગરિકોની કરાતી બૂરી હાલતને દર્શાવે છે. શાહરૂખ ખાનના કેટલાક ચાહકોએ સોશિયલ મીડિયા મારફત એવી માગણી કરી છે કે ‘ડંકી’ ફિલ્મને ‘ટેક્સ-ફ્રી’ બનાવવી જોઈએ.