સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાને કારણે નિધન; આજે બપોરે અંતિમ સંસ્કાર

નવી દિલ્હી – ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે રાતે લગભગ 9 વાગ્યે નિધન થયું હતું. એમની વય 67 વર્ષ હતી. એમનાં આજે બપોરે દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સ્વરાજની તબિયત ગઈ કાલે મોડી સાંજે બગડી હતી. એમને તાબડતોબ અહીંની AIIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તપાસ્યા બાદ સ્વરાજને મૃત જાહેર કર્યા હતા. સ્વરાજે લગભગ 9 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.

સ્વરાજને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ડોક્ટરોએ એમને ફરી ભાનમાં લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા, પણ તેઓ એમાં સફળ થયા નહોતા.

એ પહેલાં સાંજે લગભગ 7 વાગ્યે સુષમા સ્વરાજે કરેલું આ છે આખરી ટ્વીટ. જમ્મુ-કશ્મીર અંગેની કલમ 370ને સંસદના લોકસભા ગૃહમાં પણ નાબૂદ કરાવવામાં મોદી સરકારને આજે સાંજે સફળતા મળ્યા બાદ એમણે આ ટ્વીટ કર્યું હતું.

ગઈ કાલે, રાજ્યસભામાં કશ્મીર અંગેનો ખરડો પાસ કરાયો હતો ત્યારબાદ પણ સુષમાજીએ અમિત શાહને અભિનંદન આપતા તથા અન્ય બે ટ્વીટ કર્યા હતા.

સ્વરાજે 2016માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને એને કારણે તેમણે આ વર્ષે લોકસભાની ચૂંટણી ન લડવાનું નક્કી કર્યું હતું.

સ્વરાજ ભાજપનાં અત્યંત વગદાર નેતાઓમાંના એક હતાં.

હોસ્પિટલમાં સુષમાનાં પતિ સ્વરાજ કૌશલ, પુત્રી બાંસુરી તથા અન્ય પરિવારજનો, ભાજપના કેન્દ્રીય પ્રધાનો – નીતિન ગડકરી અને ડો. હર્ષવર્ધન પણ ઉપસ્થિત હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની કેબિનેટનાં ભૂતપૂર્વ સહયોગી સુષમા સ્વરાજના નિધન અંગે ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે સુષમાજી અદ્દભુત વક્તા હતા.

કોંગ્રેસ પાર્ટીએ પણ સ્વરાજનાં ઓચિંતા નિધન અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.