જમ્મુ-કશ્મીર પુનર્ગઠન ખરડો લોકસભાએ પણ પાસ કરી દીધો… કશ્મીર હમારા હૈ

નવી દિલ્હી – સરહદીય અને સંવેદનશીલ એવા જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને નાબૂદ કરવા અને જમ્મુ-કશ્મીર રાજ્યનું બે ભાગમાં વિભાજન કરી એકને જમ્મુ અને કશ્મીર તથા બીજાને લદાખ, એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરતા પુનર્ગઠન ખરડાને આજે લોકસભાએ મંજૂરી આપી દીધી છે.

આજે આ બંને ખરડાને ગૃહ પ્રધાન અમિત શાહે રજૂ કર્યા હતા અને તેની પર ગૃહમાં કલાકો સુધી ચર્ચા ચાલ્યા બાદ મતદાન થયું હતું જેમાં સરકારની તરફેણમાં 367 મત પડ્યા હતા જ્યારે વિરુદ્ધમાં 67 મત પડ્યા હતા. લોકસભામાં 434 સભ્યો હાજર હતા.

 

રાજ્યસભાએ ગઈ કાલે આ ખરડાને મંજૂરી આપી દીધી હતી. આમ આ ખરડો હવે કાયદો બની ગયો છે.

આ સાથે જ જમ્મુ-કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતા સાત દાયકા જૂનો કાયદો ખતમ થઈ ગયો છે.

આ બંને મોટા ફેરફારને પગલે જમ્મુ-કશ્મીર રાજ્ય સીધું કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી ગયું છે. સરકારનો મૂળ ઉદ્દેશ્ય આ રાજ્યમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદને રોકવા અને વિકાસનો માર્ગ મોકળો કરી આપવાનો છે.

સંસદમાં આ બંને ખરડાને પસાર કરાવવામાં સરકારની આગેવાની લેનાર અમિત શાહે આજે કહ્યું હતું કે કલમ 370 એવી જોગવાઈ છે જેણે કશ્મીર અને શેષ ભારત વચ્ચે અવરોધ પેદા કર્યો હતો.

એટલા માટે જ દરેક જણ વારંવાર કહે છે કે કશ્મીર ભારતનું અભિન્ન અંગ છે… શા માટે કોઈ એમ નથી કહેતું કે તામિલનાડુ કે ઉત્તર પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે… કારણ કે કલમ 370એ જ એવી શંકા, ભેદભાવ ઊભા કર્યા હતા.

370મી કલમને નાબૂદ કરતો કાયદો બની જશે એ પછી આવો કોઈ અવરોધ રહેશે નહીં. આ ખરડા લોકસભામાં પાસ થશે એ વિશે કોઈને શંકા નહોતી, કારણ કે આ ગૃહમાં ભાજપની આગેવાની હેઠળના શાસક નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ જોડાણની બહુમતી છે.

ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આજે એક બ્લોગમાં લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કશ્મીર નીતિની તરફેણમાં દેશની જનતાનો મૂડ હોવાથી ઘણા વિરોધ પક્ષોને આ ખરડાને ટેકો આપવાની ફરજ પડી છે.