અધીર રંજન ચૌધરીના નિવેદને કોંગ્રેસની મુશ્કેલી વધારી, સોનીયા ગાંધી નારાજ

નવી દિલ્હી- લોકસભામાં જમ્મુ-કશ્મીરના મુદ્દે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આપેલા નિવેદન પર કોંગ્રેસ પાર્ટી ચોતરફથી ઘેરાઈ ગઈ હતી. અધીર રંજન ચૌધરીએ આર્ટિકલ 370 અંગે જે પક્ષ રજૂ કર્યો તેનાથી કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી પણ નારાજ થયાં હતાં. અધીર રંજને યુએનનો હવાલો આપતાં પોતાની જ પાર્ટી સત્તા પક્ષના નિશાના પર આવી ગઈ હતી જેનો ભાજપે ભરપુર ફાયદો ઉઠાવ્યો.

અધીર રંજન જ્યારે જમ્મુ કાશ્મીર મુદ્દે યુએનનો હવાલો આપી નિવેદન આપી રહ્યા હતા ત્યારે  સોનિયા ગાંધી અધિર રંજનને સાંભળીને ચોકી ગયા હતા. વીડિયોમાં  જોઈ શકાય છે કે, સોનિયા ગાંધી પોતાની પાછળ બેઠેલા રાહુલ ગાંધી તરફ ઈશારો પણ કરી રહ્યા છે. ઈશારાથી એવું લાગે છે કે, તેઓ કશું પુછી રહ્યા હોય.

નિવેદન પર બબાલ થયા બાદ ચૌધરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તે આ મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ માગી રહ્યાં હતાં પરંતુ તેમને ખોટી રીતે સમજવામાં આવ્યું. તેમણે કહ્યું કે, આ જ સંસદમાં 1994માં લોકસભા અને રાજ્યસભામાં સામાન્ય સહમતિથી આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાન અધિકૃત કશ્મીરને પણ ભારતમાં સામેલ કરવામાં આવે. તો હવે પીઓકેનું શું સ્ટેટસ છે? કોંગ્રેસ નેતાએ કહ્યું કે, હું આજ વસ્તું સરકારને પુછી રહ્યો હતો એમાં ખોટું શું છે?

અધીરે રંજન ચૌધરીએ શું કહ્યું હતું.

અધીર રંજને કહ્યું હતું કે, આપણા એક વડાપ્રધાને શિમલા કરાર કર્યો, બીજા વડાપ્રધાન અટલ બિહારીએ લાહોર કરાર કર્યો અને હાલમાં જ વિદેશ પ્રધાન એસ. જયશંકરે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોને કહ્યું કે, આ દ્વિપક્ષીય મામલો છે. તો પછી જમ્મુ-કશ્મીર અચાનક આંતરીક મામલો કેવી રીતે થઈ ગયો? તેમણે તેમની વાત રિપીટ કરી અને કહ્યું કે, જ્યારે શિમલા કરાર, લાહોર કરાર થયા અને માઈક પોમ્પિયોને આપણા વિદેશ પ્રધાને કહ્યું કે, આ દ્વિપક્ષીય મુદ્દો છે, તો આ અચાનક આંતરિક મામલો કેવી રીતે થઈ ગયો?

જોકે, અધીરના નિવેદનથી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કોંગ્રેસ પાર્ટી પાસે જમ્મુ કાશ્મીર અંગે વલણ સ્પષ્ટ કરવા માંગ કરી હતી. ત્યારબાદ સદનમાં ઘણો હંગામો થયો અને અમિત શાહ- અધીર રંજનની વચ્ચે વિવાદ થયો હતો.

લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ અંગેની ચર્ચા દરમ્યાન  કોંગ્રેસ નેતા અધીર રંજને કહ્યુ કે, 1948થી યુએન જમ્મુ કાશ્મીર પર નજર રાખી રહ્યુ છે. તો આ આંતરિક મુદ્દો કેવી રીતે બની ગયો. વિદેશ પ્રધાન કહે છે કે, જમ્મુ કાશ્મીર આંતરિક મુદ્દો છે. તેમણે કહ્યુ કે, મોદી સરકાર બિલ મામલે કોંગ્રેસ દેશ વિરોધી હોવાનો માહોલ બનાવી રહી છે. તેના જવાબમાં અમિત શાહે કહ્યુ કે, 1948માં આ મામલો યુએનમાં ગયો હતો. તેમ છતા ઈન્દિરા ગાંધીએ શિમલા કરારમાં જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કેમ કર્યો હતો.જેથી આ મામલે કોંગ્રેસે સ્પષ્ટતા આપવી જોઈએ.