શ્રીનગર- જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.જેમાં એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઢેર કરી દેવાયાં છે. ઉપરાંત આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ જારી રાખવામાં આવ્યું છે.
અવંતીપોરામાં આતંકવાદીઓને છુપાવાયાં હોવાના ઇનપુટ મેળવ્યા પછી, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ખાલી કરી દીધો હતો વળતી કાર્યવાહી શરૂ કરી હતી.
માર્યાં ગયેલાં આતંકીઓ સંદર્ભે માહિતી આપતાં પુલવામા આઈજી એસ પી પણિએ જણાવ્યું કે તમામની ઓળખ થઈ ગઈ છે. માર્યાં ગયેલાં આતંકીઓ ઝાકીર મૂસાના જૂથનો ભાગ હતો. આરામપોરા ત્રાલનો સોલિહા અખૂન, અમ્લારનો ફાસલ, બટાગુંદ ત્રાલનો નદીમ સોફી, દદસરા ત્રાલનો રાશીક મીર, રઉફ અને ઉમર નામના આતંકીઓ આજના ઓપરેશનમાં માર્યાં ગયાં છે.
ત્રાલમાં આતંકીઓની હાજરી વિશેની માહિતી મેળવ્યા પછી આર્મી, સીઆરપીએફ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, સુરક્ષા દળોની કાર્યવાહીમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. મીડિયા અહેવાલો અનુસાર એન્કાઉન્ટરમાં માર્યાં ગયેલામાંમાં ઝાકીર મુસાના નજીકના માણસના મોતની ખબર પણ છે. એન્કાઉન્ટર સાઇટ પરથી દારૂગોળો અને હથિયારો મોટી માત્રામાં મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરુઆતમાં પુલવામા જિલ્લામાં થયેલાં એક એન્કાઉન્ટરમાં, સુરક્ષા દળોએ ત્રણ ત્રાસવાદીઓને ઠાર કર્યાં હતા. આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાં આતંકવાદીઓમાં મોસ્ટ વોન્ટેડ ઝહૂર અહમદ ઠોકર હતો, જે ગયા વર્ષે જુલાઈમાં આર્મી કેમ્પમાંથી ભાગી ગયો હતો અને આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો.