10 સંસ્થાને કોમ્પ્યૂટર તપાસ અધિકારઃ પોલિસ સ્ટેટ બનશે દેશ?

નવી દિલ્હી- કોમ્પ્યૂટર અને સંચારસાધનની તપાસ અધિકાર હેઠળ મૂકવાના સરકારના આદેશ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે તનાતની સર્જાઈ ગઈ છે. આ મામલે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં વિવાદ ગરમાયો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતાં ટ્વીટ કર્યું કે પીએમ મોદી ભારતને એક પોલિસ સ્ટેટમાં ફેરવી રહ્યાં છે. જેનાથી સાબિત થાય છે કે પીએમ મોદી પોતે ખૂબ અસુરક્ષિત મહેસૂસ કરે છે.

ગૃહમંત્રાલયે આ પહેલાં જણાવ્યું હતું કે 10 સુરક્ષા એજન્સીઓને કોઇપણ કોમ્પ્યૂટર અને સંચારસાધનનો તપાસ અધિકાર પહેલેથી જ આઈટી એક્ટમાં આપવામાં આવેલો છે. કાલે જારી કરવામાં આવેલા સિક્યોરિટી એન્ડ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને કોઇપણ પ્રકારનો નવો અધિકાર આપવામાં નથી આવ્યો. આજે સંસદમાં પણ આ મામલો ખૂબ ગર્જયો ત્યારે સરકારે જણાવ્યું કે આ અધિકાર તો 2009માં તત્કાલીન યુપીએ સરકારે આપેલો છે, નવા આદેશમાં કશું પણ નવું નથી.

કેન્દ્રીય કાનૂનપ્રધાન રવિશંકર પ્રસાદે 10 સુરક્ષા એજન્સીઓને તપાસ અધિકાર મુદ્દે જણાવ્યું કે તેમાં રાષ્ટ્રીય સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. જોકે તેમણે કહ્યું કે ઇન્ટરસેપ્શન માટે કેન્દ્રીય ગૃહસચીવની મંજૂરી લેવી જરુરી છે.

તો વિપક્ષના આક્રમણને ખાળતાં નાણાંપ્રધાન અરુણ જેટલીએ પણ સરકારનો પક્ષ રજૂ કર્યો કે આ આદેશમાં કશુ નવું નતી અને કોંગ્રેસ રાઈનો પહાડ બનાવી રહી છે.તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે કોંગ્રેસ દેશની સુરક્ષા સાથે ખેલ કરી રહી છે. મુદ્દો ઉઠાવતાં પહેલાં વિપક્ષે પૂરી જાણકારી તો મેળવવી જોઇતી હતી. વિપક્ષ નેતા જે વિષય ઉટાવે તે મૂલ્યવાન હોવો જોઇએ.તેમણે વિપક્ષના આનંદ શર્માના આક્ષેપને ફગાવી દીધો કે દરેક કોમ્પ્યૂટર અને ટેલીફોનની નિગરાની કરવામાં આવશે.

જેટલીએ કહ્યું કે આતંકવાદીઓ કોમ્પ્યૂટર દ્વારા પણ દેશવિરોધી કૃત્ય કરે છે. જ્યારે કોઇ વ્યક્તિ રાષ્ટ્રીયસુરક્ષા સાથે છેડછાડ કરે છે તો એજન્સીઓને અધિકાર આપવામાં આવ્યો છે કે વ્યક્તિની જાસૂસી કરી શકે છે. સુરક્ષા એજન્સીઓને એવો જ અધિકાર આપવામાં આવ્યો છે જે ટેલીગ્રાફ કાયદામાં છે. નિગરાની દરેક વ્યક્તિ નહીં કરી શકે તે માટે સુરક્ષા એન્જસી જ કામ કરી શકશે. આતંકી ગતિવિધિ, કાયદોવ્યવસ્થા અને દેશની અખંડતાના મામલામાં અધિકૃત એજન્સીઓ જ જાસૂસી કરી શકશે.

કોંગ્રેસ દ્વારા આ મામલામાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ આદેશથી સરકારે દેશમાં અઘોષિત કટોકટી લાગુ કરી છે. ઉપનેતા શર્માએ કહ્યું કે લોકોની નિજતાના અધિકાર પર હુમલો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક આદેશમાં જાસૂસી બ્યૂરો, માદક પદાર્શ નિયંત્રણ બ્યૂરો, ઈડી, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ, ડીઆરઆઈ, સીબીઆઈ, એનઆઈએ, રૉ, ડાયરેક્ટોરેક્ટ ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને દિલ્હીના પોલિસ આયુક્તને દેશમાં ચાલી રહેલાં બધાં કોમ્પ્યૂટરોના ઇન્ટરસેપ્શનનો અધિકાર આપવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]