ડેટા જાસૂસીની વાત નવી નથી: કોંગ્રેસ સરકાર પણ રાખતી હતી તમારા ડેટા પર નજર

નવી દિલ્હી-  હવે તમારા કોમ્પ્યૂટર ડેટાની તપાસ માટે સરકારી એજન્સીઓ ક્યારેય પણ ઘરમાં આવી શકે છે. કેન્દ્રની મોદી સરકારે એક આદેશ જાહેર કર્યો છે. 20 ડિસેમ્બર 2018 પર ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ આદેશમાં કેટલીક એજન્સીઓને આ અધિકાર આપવાની વાત કહેવાઈ છે જેમાં તેઓ ઈન્ટરસેપ્શન, મોનિટરિંગ અને ડિક્રિપ્શનના હેતુથી કોઈપણ કોમ્પ્યૂટરનો ડેટા તપાસી શકે છે.

તો આ રાજકીય જંગમાં કેટલીક જૂની આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે, કોંગ્રેસની આગેવાની વાળી મનમોહન સિંહની સરકાર દરમિયાન પણ હજારો ફોન કોલ્સ અને ઈમેઈલનું ઈન્ટરસેપ્શન કરવામાં આવતું હતું. એ સમયે ગૃહ વિભાગે એક આરટીઆઈમાં સ્વીકાર્યું હતું કે, કેન્દ્ર સરકાર ફોન કોલ્સ ઈન્ટરસેપ્શન માટે દર મહિને સરેરાશ 7500થી 9000 આદેશ જારી કરતી હતી.

6 ઓગસ્ટ, 2013 ના રોજ પ્રસન્નજીત મંડલની આરટીઆઈના જવાબમાં, ગૃહમંત્રાલયે કહ્યું હતું કે,  કેન્દ્ર સરકાર તરફથી દર મહિને સરેરાશ, 7500 થી 9000 ફોન કોલ્સના ઈન્ટરસેપ્શનના આદેશ જારી કરવામાં આવતા હતાં. આ ઉપરાંત દર મહિને સરેરાશ 300થી 500 ઇમેઇલ્સ પર મોનિટરિંગના આદેશો જારી કરવામાં આવતા હતાં.

એ જ રીતે ડિસેમ્બર 2013 માં એક આરટીઆઇના જવાબમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ટેલિગ્રાફ એક્ટ હેઠળ તમામ એજન્સીઓને ફોન કોલ્સ અને ઈ-મેલ ઈન્ટરસેપ્શનનો અધિકાર મળ્યો છે. અમૃતાનંદ દેવતીર્થની આરટીઆઈના જવાબમાં એ સમયે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ સેક્સશન 5(2)ની જોગવાઈઓ હેઠળ કાયદા એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ફોન કોલ્સ અને ઈમેલ ઈન્ટરસેપ્શન માટે અધિકૃત છે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, 10 એજન્સીઓને આ મામલે હસ્તક્ષેપ કરવાનો અધિકાર મળ્યો છે. આરટીઆઇ જવાબમાં જે એજન્સીઓના નામ આપવામાં આવ્યાં છે, તેમાં આઇબી, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો, ઈડી, CBDT, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ, સીબીઆઈ,એનઆઈએ, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, ડિરેક્ટોરેટ ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને દિલ્હી પોલીસ કમિશનરના નામનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2018ના રોજ વર્તમાન સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ બાદ કેન્દ્ર સરકારના આ નિર્ણયની નિંદા પણ થવાં લાગી છે. અને રાજકીય જંગ શરુ થઈ ગયો છે. એનસીપી લીટર માજિદ મેમને કહ્યું કે સામાન્ય લોકોની પ્રાઈવસીનો ભંગ છે. કેવી રીતે કોઈ એજન્સી કોઈના પણ ઘરમાં ઘુસીને કોમ્પ્યુટર ડેટાની તપાસ કરી શકે છે. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ બીજેપીના નારાના સંદર્ભમાં કટાક્ષ કરતાં કહ્યું કે, ‘અબકી બાર, નિજતા પર વાર.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]