નવી દિલ્હીઃ બજાર નિયામક સેબીએ સુપ્રીમ કોર્ટને અદાણી-હિન્ડનનબર્ગ કેસની તપાસનો અહેવાલ સુપરત કર્યો હતો. સેબીએ આ મામલે 24 તપાસ કરી છે, એમાં 22 અંતિમ રિપોર્ટ કર્યા છે અને બે વચગાળાના રિપોર્ટ તૈયાર કર્યા છે. વચગાળાની તપાસમાં સેબીએ 13 વિદેશી યુનિટ સામેલ હતી. જોકે, સેબી પાંચ દેશો પાસેથી વિગતો માગી હતી. સુપ્રીમ કોર્ટમાં અદાણી હિન્ડનબર્ગ મામલે 29 ઓગસ્ટે સુનાવણી થવાની છે.
સેબીએ સુપ્રીમ કોર્ટને સોંપેલા સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમે ૨૪ બાબતોની તપાસ કરી રહ્યા હતા. જેમાંથી ૨૨ની તપાસ પૂરી થઈ ચૂકી છે. સેબી તપાસના પરિણામને આધારે કાયદા અનુસાર યોગ્ય પગલાં લેશે. સેબીએ તેની તપાસના પરિણામની માહિતી આપી ન હતી. સેબીએ તપાસમાં ‘રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ’ સહિત તપાસમાં લેવાયેલાં પગલાંની વિસ્તૃત માહિતી આપી હતી. સેબીએ રિપોર્ટમાં ૧૩ વિદેશી કંપની (૧૨ પોર્ટિફોલિયો રોકાણકારો અને એક વિદેશી કંપની)ને આવરી લીધી હતી. તેણે જણાવ્યું હતું કે શેરના ભાવમાં ગેરરીતિ, રિલેટેડ પાર્ટી સાથેના વ્યવહારોની માહિતી આપવામાં કથિત નિષ્ફળતા અને જૂથના કેટલાક શેર્સમાં ઇન્સાઇડર ટ્રેડિંગના નિયમોનું સંભવિત ઉલ્લંઘન સહિતના આરોપોની તપાસ પૂરી કરવામાં આવી છે.
અમેરિકન શોર્ટ-સેલર હિન્ડેનબર્ગે ૧૩ વિદેશી કંપનીમાંથી કેટલીકને અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીના નજીકના સહયોગી ગણાવ્યા હતા. સેબીના જણાવ્યા અનુસાર એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ) લિસ્ટેડ કંપનીઓના નોન-પ્રમોટર્સ કે પબ્લિક શેરધારકોના જૂથનો ભાગ છે. નિયમ અનુસાર લિસ્ટેડ કંપનીઓએ ઓછામાં ઓછું ૨૫ ટકા લઘુતમ પબ્લિક શેરહોલ્ડિંગ જાળવવું જરૂરી છે.
24 જાન્યુઆરી, 2023એ હિન્ડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ગેરકાયદે લેવડદેવડ અને ગેરફેરનો આરોપ લગાવ્યો હતો. જેથી અદાણી ગ્રુપની કંપનીઓને માર્કેટ કેપમાં અબજો ડોલરનું નુકસાન વેઠવું પડ્યું હતું.