SCએ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી

નવી દિલ્હીઃ લીકર કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને SVN ભટ્ટીની ખંડપીઠે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મનીષ સિસોદિયાની વિરુદ્ધ તપાસ કરી રહેલા કેસમાં કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ આ કેસની સુનાવણી છથી આઠ મહિનામાં પૂરી કરે. આ પહેલાં હાઇકોર્ટે પણ સિસોદિયાની અરજી ફગાવી હતી.

જસ્ટિસ સંજીવ ખન્નાએ ચુકાદો આપતાં કહ્યું હતું કે કેટલાંક પાસાં શંકાસ્પદ છે, પરંતુ રૂ. 338 કરોડ ટ્રાન્સફર થયા હોવાનું લગભગ સાબિત થઈ રહ્યું છે, એટલા માટે તેમની જામીન અરજી ફગાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે આ પહેલા કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી અને સિસોદિયા સામે કેસોના સંબંધમાં CBI અને EDને કેટલાક સવાલો કર્યા હતા. સિસોદિયાએ પોતાની સામે બે અલગ-અલગ કેસોમાં જામીન માગ્યા છે, જેમાંથી એક કેસ CBI અને બીજો કેસ EDએ દાખલ કર્યો છે.સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જો કેસની પ્રક્રિયા ધીમી રહેશે તો સિસોદિયા ત્રણ મહિનામાં ફરીથી જામીન અરજી કરવા માટે હકદાર ગણાશે. તેવામાં હવે એ જોવાનું છે કે સિસોદિયા શું ફરી ત્રણ મહિના બાદ કોર્ટ પહોંચશે કે કેમ?

સિસોદિયા પર શું છે આરોપ?

દિલ્હી લિકર કૌભાંડમાં મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે. સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડ અને મની લોન્ડરિંગ કરવાનો આરોપ છે. આ પહેલાંની સુનાવણીમાં સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું હતું કે સિસોદિયા સામે કોઈ પુરાવા નથી અને કૌભાંડ સાથે તેના કોઈ લેવાદેવા નથી. તેમ છતા પણ તેમને આરોપી બનાવમાં આવ્યા છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ EDએ ધરપકડ કરી હતી.