મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ બાદ હવે શિવસેનાના નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસની પૂર્વ સરકાર વિપક્ષના નેતાઓના ફોન ટેપ કરાવતી હતી. દેશમુખે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકારમાં વિપક્ષી નેતાઓના ફેન ટેપ કરવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. હવે રાઉતે ટ્વીટ કરીને આ દાવાનું સમર્થન કર્યું છે.
રાઉતે લખ્યું કે, આપના ફોન ટેપ થઈ રહ્યા છે. આ જાણકારી મને ભાજપના એક વરિષ્ઠ મંત્રીએ પણ આપી હતી. મેં કહ્યું હતું કે, ભાઈ મારી વાત જો કોઈ સાંભળવા માંગે છે તો, તેમનું સ્વાગત છે. હું બાલાસાહેબ ઠાકરેજીનો ચેલો છું. કોઈ વાત અથવા કામ હું છુપાવીને કરતો નથી. કોઈ મારી વાત સાંભળે તો કોઈ વાંધો નહી. તો, દેશમુખે જાણકારી આપી હતી કે મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
દેશમુખે જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ વિભાગના સાઈબર સેલને વિપક્ષી નેતાઓના ફોન ટેપની ફરિયાદોની તપાસ કરવા મામલે આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર એ અધિકારીઓને પણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે જેમને કથિત રીતે સ્નૂપિંગ સોફ્ટવેરનું અધ્યયન કરવા માટે ઈઝરાયલ મોકલવામાં આવ્યા હતા.