વિનેશના ચૂંટણી લડવાના નિર્ણયથી દુખી છું: મહાવીર ફોગાટ

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની બીજી યાદી જારી કરી છે. આ યાદીમાં 21 ઉમેદવારોનાં નામનું એલાન કરવામાં આવ્યું છે. પાર્ટીએ સૌથી હોટ સીટ મનાતી જુલાના સીટથી કેપ્ટન યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે આ સીટથી મહિલા પહેલવાન વિનેશ ફોગાટને ટિકિટ આપી છે.

વિનેશે ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિનેશના ચૂંટણી લડવાના નિર્ણયથી તેમના કાકા મહાવીર ફોગાટે નારાજગી વ્યક્ત કરી છે. વિનેશે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે, એનાથી હું બહુ દુખી છું. જો એ નિર્ણય 2028 ઓલિમ્પિક પછી લેતી તો સારું થાત.

તેમણે કહ્યું હતું કે વિનેસની પહેલાં રાજકારણમાં સામેલ થવાની અને ચૂંટણી લડવાની કોઈ યોજના નહોતી. ના તો બજરંગનો પણ કોઈ વિચાર હતો. મને નથી ખબર કે કોંગ્રેસે આવું કેવી રીતે કર્યું, કેમ કે તેનો પહેલાં આવો કોઈ ઇરાદો નહોતો.

તેમણે કહ્યું હતું કે હું રાજકારણમાં જોડાયેલો નથી અને વિનેશ માટે પ્રચાર પણ નહીં કરું, કારણ કે હું કોંગ્રેસ વિરુદ્ધ છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો વિનેશને રાજકારણમાં રસ હતો તો તેણે કોંગ્રેસને બદલે ભાજપમાં જોડાઈ જવું હતું.

મહાવીર ફોગટની નાની દીકરી બબિતા ​​ફોગટ પહેલેથી જ ભાજપની સભ્ય છે. તે દાદરી વિધાનસભા વિસ્તારમાંથી છેલ્લી વિધાનસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ હારી ગઈ હતી. તેમની પુત્રી બબિતા ફોગાટને ભાજપમાંથી ટિકિટ ના મળવા પર કહ્યું હતું કે દરેક જણને ટિકિટ નથી મળતી. પાર્ટી જે નિર્ણય લે, એ સમજીવિચારીને લે છે. પાર્ટી જે નક્કી કરશે, એ સ્વીકારી લેવો જોઈએ.