નવી દિલ્હી/જયપુરઃ કોંગ્રેસ પાર્ટીએ સખત વલણ અપનાવીને આજે સચીન પાઈલટને રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન પદેથી તેમજ રાજ્યના પાર્ટી પ્રમુખ પદેથી બરતરફ કરી દીધા છે.
પાઈલટની સાથે રાજસ્થાનમાં બે અન્ય પ્રધાનને પણ બરતરફ કરવામાં આવ્યા છે. આ બંને પ્રધાન છે – વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણા. આ બંને પ્રધાને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે બળવો કર્યો હતો અને કેબિનેટમાંથી બરતરફ કરાયેલા પાઈલટને ટેકો આપ્યો હતો.
પાઈલટની હકાલપટ્ટી કરવાના નિર્ણયની જાહેરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં આપી હતી.
આમ, પક્ષની અંદરના જ ઝઘડામાં પહેલો રાઉન્ડ ગેહલોત જીતી ગયા છે.
ટોન્ક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા સચીન પાઈલટે જયપુરમાં આજે યોજાઈ ગયેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બીજી બેઠકમાં હાજરી આપી નહોતી એટલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ એમની હકાલપટ્ટી કરવાનો કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો હતો.
સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સચીન પાઈલટને તેઓ જ્યારે એમની ઉંમરની ત્રીસીમાં હતા ત્યારે એમને કેન્દ્રીય પ્રધાન બનાવ્યા હતા અને 40ની વયે એમને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા… અમે સચીન પાઈલટને અનેક તકો આપી છે. એ સંસદસભ્ય રહી ચૂક્યા છે, રાજ્ય કક્ષાના પ્રધાન અને પક્ષના રાજ્ય એકમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. મને એ વાતનું દુઃખ છે કે સચીન પાઈલટ અને એમના કેટલાક સાથીઓ ભાજપે બિછાવેલી જાળમાં ફસાઈ ગયા… આ અમને જરાય સ્વીકાર્ય નથી.
રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ પદે પાઈલટની જગ્યાએ ગોવિંદ સિંહ દોતાસરાને નિયુક્ત કરવામાં આવ્યા છે.