કોરોના સંક્રમિતોની સંખ્યા નવ લાખને પારઃ WHOએ આપી ચેતવણી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા નવને પાર થઈ ગઈ છે.  દેશે વાઇરસ ફેલાવવાના 166 દિવસમાં નવ લાખ કેસોના આંકડાને પાર કર્યો છે.  આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 28,498 નવા કેસ સામે આવ્યા છે અને 553 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 9,06,752 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 23,727 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 5,71,459 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,11,565એ પહોંચી છે. રિકવરી રેટ 63.02 ટકાથી વધુ થયો છે. પોઝિટિવિટી રેટ 13.09 ટકા છે.

દેશમાં 13 જુલાઈ સુધી 1,20,92,503 કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ગઈ કાલે 2,86,247 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે.

સ્થિતિ હજી ભયાનક બનવાની WHOની ચેતવણી

કોરોના વાઇરસનો પ્રકોપ વિશ્વમાં હજી ભયાનક બને એવી શક્યતા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી છે કે કેટલાક દેશો આ રોગચાળા સામે બેદરકારી દાખવી રહ્યા છે, જેથી એની અસર દુનિયાઆખી પર પડે એવી શક્યતા છે. WHOએ ચેતવણી આપી છે કે જો યોગ્ય નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો વેક્સિન અને ઇમ્યુનિટીની કોઈ અસર  નહીં થાય, કેમ કેસમાં સતત વધારો થતો રહેશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.