ભગવાન રામ નેપાળી હતા: નેપાળના PMનું વિવાદિત નિવેદન

નવી દિલ્હીઃ ભારત અને નેપાળ વચ્ચે કોલ્ડ વોર અટકવાનું નામ નથી લેતું. નેપાળના વડા પ્રધાન કે. પી. શર્માએ ફરી એક વાર વિવાદિત નિવે્દન કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ભગવાન શ્રી રામનો જન્મ ભારતમાં નહીં, પણ નેપાળમાં થયો હતો. ઓલીએ વિવાદિત નિવેદન કરતાં કહ્યું છે કે અયોધ્યા નેપાળમાં છે અને ભારતે એક નકલી અયોધ્યાને વિશ્વ સામે રજૂ કરીને સાંસ્કૃતિક અતિક્રમણ કર્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભગવાન રામ ભારતીય નહીં પણ નેપાળી હતા. તેમણે કહ્યું હતું કે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ઉત્તર પ્રદેશમાં નહીં,બલકે નેપાળના વાલ્મીકિ આશ્રમની પાસે છે.

અયોધ્યામાં પૂજારીઓ નેપાળના વડા પ્રધાન પર ભડક્યા

નેપાળના વડા પ્રધાનના નિવેદનથી અયોધ્યાના પૂજારી ભડકી ઊઠ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચીનના દબાણમાં તેમણે આવું નિવેદન કર્યું છે. ભગવાન શ્રી રામનો જન્મ અહીં થયો હતો. તેમનો જન્મ અયોધ્યામાં સરયુ નદીની પાસે થયો હતો. એ સાચું છે કે સીતાજી નેપાળનાં હતાં, પણ એ દાવો કરવો કે ભગવાન શ્રી રામ નેપાળી છે તો એ સરાસર ખોટું છે. હું ઓલીના નિવેદનની ટીકા કરું છું, એમ રામ મંદિર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસે કહ્યું હતું.

કલ્કિ રામ દાસ મહારાજે પણ ઓલીના નિવેદનને વખોડ્યું

રામ દળ ટ્રસ્ટના અધ્યક્ષ કલ્કિ રામ દાસ મહારાજે પણ ઓલીના નિવેદનને વખોડી કાઢતાં કહ્યું હતું કે ઓલી નેપાળ અને પાકિસ્તાન વતી કામ કરે છે. હું તેમની ટિપ્પણીની નિંદા કરું છું. નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર હતું, પરંતુ હવે એ ચીન અને પાકિસ્તાન માટે કામ કરે છે.

કાઠમંડુમાં આયોજિત કાર્યક્રમમાં વિવાદિત નિવેદન

PM ઓલીએ ગઈ કાલે કાઠમંડુમાં પોતાના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અયોધ્યા નેપાળના વીરભૂમિ જિલ્લાના પશ્ચિમમાં સ્થિત થોરી શહેરમાં છે. ભારતે નકલી અયોધ્યા ઊભી કરીને નેપાળના સાંસ્કૃતિક તથ્યોનું અતિક્રમણ કર્યું છે. તેમણે તર્ક આપ્યો હતો કે જો અસલી અયોધ્યા ભારતમાં છે તો ત્યાં રાજકુમાર લગ્ન માટે જનકપુર કેવી રીતે આવી શકે. એ સમયે આવાગમનના કોઈ સાધન નહોતા. ત્યારે મોબાઇલ ફોન નહોતો કે નહોતો ટેલિફોન તો તેમને જનકપુર વિશે માલૂમ કેવી રીતે પડે?

ઓલી નેપાળી નથી

અન્ય એક પૂજારી મહંત પરમહંસ આચાર્યેએ કહ્યું હતું કે ઓલી નેપાળી નથી. તેમને તેમના દેશના ઇતિહાસ વિશે જ ખબર નથી. તેઓ નેપાળ સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. ચીને બે ડઝનથી વધુ નેપાળી ગામો પર કબજો કરી લીધો છે, જેથી તેઓ લોકોને ગેરમાર્ગે દોરવા ભગવાન શ્રી રામના નામનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પહેલાં પણ ભારતની ટીકા કરી ચૂક્યા છે નેપાળી વડા પ્રધાન

નેપાળે હાલમાં જ ભારતના કેટલાક હિસ્સાઓને નેપાળના નવા રાજકીય નકશામાં દર્શાવ્યા હતા. ત્યારથી નેપાળના પીએમ ઓલી ભારતની વારંવાર ટીકા કરી રહ્યા છે. ઓલીના વિવાદાસ્પદ દાવાથી નવી દિલ્હી અને કાઠમંડુની વચ્ચેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે.