નવી દિલ્હીઃ આતંકવાદી મનસૂબા ધરાવતા સંગઠન પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સામે અનેક કેન્દ્ર સરકારી તપાસ એજન્સીઓએ વ્યાપકપણે તપાસ-દરોડા કાર્યવાહી હાથ ધર્યા બાદ આ સંગઠન પર પ્રતિબંધ મૂકવાની માગણીઓ થઈ રહી છે. દરરોજ આવી માગણી વધી રહી છે. હવે એમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ પણ સામેલ થયું છે, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંસ્થાની મુસ્લિમ પાંખ છે.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચે અન્ય રાષ્ટ્રવાદી સંસ્થા-સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા બાદ માગણી કરી છે કે કેન્દ્ર સરકાર પીએફઆઈ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દે. જો પીએફઆઈ સંગઠન આટલું બધું ખતરનાક બની ગયું છે તો એની પર શા માટે વહેલી તકે પ્રતિબંધ મૂકતા નથી? હિંસા-સંબંધિત બનાવોમાં સંડોવણીના આધારે આ સંગઠનના બેન્ક એકાઉન્ટ્સ શા માટે સ્થગિત કરી દેવામાં આવ્યા નથી? શા માટે એની મિલકતોને જપ્ત કરવામાં આવી નથી? શા માટે એના નેતાઓ, હોદ્દેદારો અને પ્રતિનિધિઓ સામે કડક પગલાં ભરવામાં આવ્યા નથી?
રાષ્ટ્રીય મુસ્લિમ મંચનાં મીડિયા ઈન-ચાર્જ શાહિદ સઈદે કહ્યું છે કે પીએફઆઈ સામેના તમામ પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક આતંકવાદી સંગઠન છે, જેને વિદેશોમાંથી નાણાં મળે છે. એણે તાજેતરમાં યોજેલી રેલીઓમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ નારા લગાવવામાં આવ્યા હતા.
