દિલ્હીમાં આ દિવાળીએ નો રોકેટ-નો બોમ્બઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દિવાળી પર દર વર્ષે થનારા પ્રદૂષણને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે આ વખતે કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં રોકેટ અને ફટાકડા પર પૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કોર્ટે આ દિવાળી પર માત્ર ગ્રીન ફટાકડાનો જ ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હી અને એનસીઆરમાં રહેનારા લોકોને અપીલ કરી હતી કે તેઓ આ વર્ષે દિવાળીમાં માત્ર ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે અમારે આપનો સહયોગ જોઈએ છીએ કે જેથી પ્રદૂષણની માત્રા ઓછી કરી શકાય.

10 મહત્વની વાતો…

  1. કોર્ટે રોકેટ, બોમ્બ અને વધુ અવાજ કરનારા ફટાકડાઓ પર રોક લગાવી.
  2. કોર્ટે જે ફટાકડાને મંજૂરી આપી છે તેમા મળતી વિગતો અનુસાર ચક્કરડી અને કોઠીનો સમાવેશ થાય છે.
  3. આ બંન્ને બે રંગમાં આવશે. 50 ચક્કરડી અને 5 કોઠીના એક ડબ્બાની કીંમત 250 રુપિયા હશે.
  4. દિલ્હી પોલીસે ફટાકડા વિક્રેતાઓ પર નજર રાખવા માટે એક વિશેષ ટીમ બનાવી છે.
  5. દિલ્હી પોલીસની ટીમનું કામ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમામ વિક્રેતાઓ માત્ર ગ્રીન ક્રેકર્સ જ વહેંચે.
  6. સરકાર અનુસાર ગ્રીન ક્રેકર્સ સામાન્ય ક્રેકર્સની તુલનામાં 30 ટકા ઓછું પ્રદૂષણ કરે છે.
  7. ગ્રીન ફટાકડાના ઉપયોગથી આપણે હવામાં ફેલાનારા સલ્ફર ઓક્સાઈડને મોટા પ્રમાણમાં ઓછું કરી શકીએ છીએ.
  8. કેન્દ્ર સરકારે પણ આ વર્ષે લોકોને ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
  9. સુપ્રીમ કોર્ટે વર્ષ 2016 માં પણ દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર બેન લગાવ્યું હતું.
  10. કોર્ટે પોતાના જૂના ઓર્ડરને 2017 માં થોડા સમય માટે દૂર કર્યો હતો.