પુણેઃ દેશ અને મહારાષ્ટ્ર કોરોના રોગચાળાની બીજી લહેરમાંથી હજી હમણાં બહાર આવ્યા છે અને ત્રીજી લહેર આવે એ પહેલાં અમગચેતીનાં પગલાં લઈ રહ્યા છે, ત્યાં તો મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાઇરસની પુષ્ટિ થયા પછી ખળભળાટ મચી ગયો છે. પુણેના બેલાસર ગામમાં ઝિકા વાઇરસની 50 વર્ષીય પહેલી મહિલા દર્દી મળી હતી. એ પછી મહારાષ્ટ્રનો પુણે જિલ્લો આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. પુણે જિલ્લા કલેક્ટરને જિલ્લાનાં 79 ગામોને ઝિકા વાઇરસ પ્રત્યે સંવેદનશીલ જાહેર કરવાનો આદેશ જારી કર્યો છે.
જિલ્લા કલેક્ટર ડો. રાજેશ દેશમુખના આદેશ પછી આરોગ્ય વિભાગને વાઇરસના જોખમ વિશે જાણ કરવામાં આવી છે કે આ ગામોમાં ઇમર્જન્સી પગલાં શરૂ કરવામાં આવ્યાં છે. પાંચમી ઓગસ્ટે જિલ્લા કલેક્ટરે આદેશમાં કહ્યું હતું કે પુણે જિલ્લાનાં 79 ગામોને ઝિકા વાઇરસના સંક્રમણની દેખરેખમાં રાખવામાં આવશે. તેમણે આ 79 ગામોનાં નામનું એક લિસ્ટ પણ બહાર પાડ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રની સાથે ગ્રામ પંચાયત સ્તરે, જિલ્લા વહીવટી તંત્રના તાલુકા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને અગમચેતીરૂપે પગલાં લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યાં છે.
છેલ્લાં ત્રણ વર્ષોમાં સતત ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા કેસ આવી રહ્યા છે, જેથી આ ગામોને અતિ સંવેદનશીલની યાદીમાં રાખવામાં આવ્યાં છે. આ ગામના લોકો, અધિકારીઓ અને ઇમર્જન્સી સેવાઓને અલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગામમાં 18 લોકોનાં બ્લડ સેમ્પલ્સ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. આ લોકોમાં તાવ સહિત ડેન્ગ્યુ, ચિકનગુનિયાનાં લક્ષણો દેખાતાં હતા, જોકે હજી આ લોકોનાં રિપોર્ટ આવવાના બાકી છે.
