આબોહવામાં-પરિવર્તનની સમસ્યાઃ ભારતના આ શહેરો ડૂબવાનો ખતરો

મુંબઈઃ સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થાની પેટા-સંસ્થા ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)એ તેના આબોહવા પરિવર્તન વિશેના એક અહેવાલમાં ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગ (પૃથ્વીના તાપમાનમાં વધારો) સમસ્યા ભયજનક રીતે નિરંકુશ બનવાની નજીક આવી ગઈ છે. એને કારણે દુનિયાભરમાં સમુદ્રની સપાટી વધી શકે છે. આમાં ભારતના સમુદ્રકિનારાઓનો પણ સમાવેશ થાય છે. આને પરિણામે પૃથ્વીના અનેક કાંઠાળ વિસ્તારો ડૂબી જઈ શકે છે.

આવનારા વર્ષોમાં સરેરાશ તાપમાન વધવાને કારણે ભારતના આ શહેરોને માઠી અસર પહોંચી શકે છેઃ

મુંબઈ

ઈન્ડિયા ટાઈમ્સના અહેવાલ અનુસાર, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે જે સમુદ્રકાંઠાના વિસ્તારોને સૌથી વધારે ખરાબ માઠી અસર પહોંચવાની સંભાવના છે એમાં મુંબઈ પણ સામેલ છે. અહેવાલ અનુસાર, આવનારા સમયમાં મુંબઈનો 65 ટકા ભાગ ડૂબી શકે છે. કોલાબા, બાન્દ્રા તેમજ પશ્ચિમ મુંબઈના ઘણા ખરા ઉપનગરો ડૂબી શકે છે.

ગોવા

ગોવા સમુદ્રકાંઠે વસેલું રાજ્ય છે. તે અનેક સુંદર બીચને કારણે પર્યટકોમાં લોકપ્રિય છે. પરંતુ 2050ની સાલ સુધીમાં આ વિસ્તારમાં પણ દરિયાની સપાટી ઉલ્લેખનીય રીતે વધી શકે છે. તેને પરિણામે ગોવાના માપુસા, ચોરા ટાપુ, મડગાંવ, કોર્લિમ, ડોન્ગ્રિમ જેવા વિસ્તારોને સૌથી માઠી અસર પડી શકે છે. અહેવાલ અનુસાર, દક્ષિણ ગોવાના મોટા ભાગના વિસ્તારોને કોઈ અસર નહીં થાય.

કોલકાતા

સમુદ્રમાં જળસપાટી વધવાને કારણે પશ્ચિમ બંગાળના પાટનગર શહેર કોલકાતાને ખૂબ માઠી અસર પહોંચશે. તેના ઘણા ખરા વિસ્તારો ડૂબી શકે છે, જેમ કે રાજપુર, સોનારપુર, બારનગર તેમજ હાવડાની આસપાસના સંતરાગાછી, બાલિટીકુરી જેવા વિસ્તારો ડૂબી જવાની ભીતિ છે.

ચેન્નાઈ

સમુદ્રની સપાટી વધવાને કારણે જે પૂર આવશે એને કારણે તામિલનાડુના અનેક સમુદ્રકાંઠના વિસ્તારો ડૂબી જવાનું જોખમ છે, જેમ કે ચિદંબરમ, મહાબલીપુરમ, કલ્પક્કમ, મારક્કાનમ, ચુનમપેટ, વાલાચેરી વગેરે. અહેવાલનું કહેવું છે કે તામિલનાડુના પાટનગર શહેર ચેન્નાઈનો 45 ટકા હિસ્સો ડૂબી જવાની સંભાવના છે. શહેરના ઈન્નોર, મિન્જુર, પુલિકેટ જેવા ઉત્તરીય ભાગોને સૌથી વધારે માઠી અસર પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કુદરતી વાયુમંડળમાં ગ્રીન હાઉસ ગેસોનું પ્રમાણ વધવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે. આ ગ્રીન હાઉસ ગેસ એટલે મીથેન, કાર્બન ડાયોક્સાઈડ, ઓક્સાઈડ અને ક્લોરો ફ્લૂરો કાર્બન. અમુક ગ્રીન હાઉસ ગેસ માનવજાતે પેદા કર્યા છે જે માનવજાતને જ નુકસાન કરે છે. વસ્તી વિસ્ફોટ, ઊર્જાના બેફામ ઉપયોગને કારણે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]