બિહારમાં ‘ગુંડારાજ’ની વાપસીઃ ભાજપે ગુનાઓની યાદી બહાર પાડી

પટનાઃ બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યાના 24 કલાક પછી ભાજપ CM નીતીશકુમાર, ડેપ્યુટી CM તેજસ્વી યાદવ પર તીખો હુમલો કર્યો છે. ભાજપે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં થયેલા ગુનાની યાદી જાહેર કરતાં દાવો કર્યો હતો કે રાજ્યમાં ગુનો ફરી વધી ગયો છે અને બિહારમાં ગુંડારાજ પરત ફર્યાના સંકેત છે.

ગૃહ રાજ્ય મંત્રી અને ભાજપના નેતા નિત્યાનંદ રાયે રાજ્યના વિવિધ ભાગોમાં થયેલા અપરાધની યાદી જાહેર કરી છે. તેમણે મુખ્ય મંત્રી નીતીશકુમારને સવાલ કર્યો હતો કે શું તેમણે અપરાધની ઘટનાઓને વધારવા માટે ગઠબંધન કર્યું છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એક બાજુ JDUએ રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે મહાગઠબંધન રચીને બિહારમાં ગુડારાજ આવ્યું છે. વિવિધ જગ્યાએ બળાત્કાર, લૂંટ અને અપરાધના સમાચાર આવવા લાગ્યા છે. એ માટે નીતીશકુમાર RJD સાથે ગયા છે? જવાબ આપો.

જૈ રાતે નીતીશકુમારે ભાજપની સાથે ગઠબંધન તોડીને રાજીનામું આપ્યું હતું અને રાજ્યપાલની સાથે મળીને RJD અને કોંગ્રેસની સાથે મળીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, એ રાતે પટનામાં ટોયોટાના શોરૂમમાં મોટી લૂંટ થઈ હતી, જ્યાં હથિયાર લઈને આવેલા અપરાધીઓએ રૂ. નવ લાખની લૂંટ કરી હતી અને વિરોધ કરવા પર સુરક્ષા ગાર્ડે ચાકુથી હત્યા કરી હતી.

એક અન્ય ઘટનામાં નીતીશના શપથગ્રહણના થોડા કલાક પહેલાં જમુઈમાં હથિયારધારી લોકોએ એક પત્રકારની હત્યા કરી હતી.ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવિયએ છેલ્લા 48 કલાકમાં અપરાધની ઘટનાઓમાં વધારાને લઈને મહાગઠબંધનની સરકાર માથે માછલાં ધોયાં હતાં.