મુંબઈઃ ટેલિકોમ ક્ષેત્રના શાનદાર પ્રદર્શન અને હિસ્સાના વેચાણ થકી મળેલી આવકના જોરે કોવિડ-19ના રોગચાળા દરમ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જૂન ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ નફો નોંધાવ્યો છે. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30.97 ટકા વધીને 13,233 કરોડ થયો છે. કંપનીની અન્ય આવક વાર્ષિક ધોરણે 54 ટકા વધીને 4388 કરોડ રૂપિયા થઈ છે.
કંપનીએ ઈંધણના રિટેલ બિઝનેસમાં 49 ટકા હિસ્સો વેચ્યો
કંપનીને 4966 કરોડ રૂપિયાનો વન ટાઇમ પ્રોફિટ રહ્યો છે. બ્રિટિશ ઓઇલ કંપની BPએ કંપનીના ફ્યુઅલ માર્કેટિંગ બિઝનોસ રિલાયન્સ BP મોબિલિટી સર્વિસમાં મૂડીરોકાણ કર્યું છે. જોકે કંપનીની રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ અને રિટેલ બિઝનેસની આવક પર લોકડાઉનની અસર પડી છે. કંપનીને ઈંધણના રિટેલ બિઝનેસમાં 49 ટકા હિસ્સો BP PLCને વેચીને 4966 કરોડનો નફો થયો હતો.
રિલાયન્સ જિયોનો બમ્પર નફો
30 જૂન, 2020એ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો 183 ટકા વધીને 2520 કરોડ રૂપિયા થયો હતો અને એણે અન્ય ક્ષેત્રોમાં કમાણીના ઘટાડાને સરભર કર્યો હતો. કંપનીનું EBITDAમાં યોગદાન 33 ટકાથી વધુ અને ગ્રોસ નફામાં એનું સૌથી વધુ યોગદાન રહ્યું હતું
EBITDA 11 ટકા ઘટ્યો
ઓઇલથી માંડીને કેમિકલ્સના વેપારના ઓછા યોગદાનને કારણે વ્યાજ, કર, સંપત્તિના મૂલ્યમાં ઘટાડાને કારણે EBITDA 11.8 ટકા ઘટીને 21,585 કરોડ રહ્યો હતો. કંપનીના ઓઇલથી માંડીને (O ટુ C) માગમાં ઘટાડાને લીધે અને માર્જિન દબાણને કારણે નફા પર પ્રતિકૂળ અસર પડી હતી.
ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું લોકડાઉનને લીધે અસર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે લોકડાઉનને કારણે અમારા હાઇડ્રોકાર્બન બિઝનેસ પર અસર પડી હતી, પરંતુ અન્ય કામગીરીની લવચિકતાને કારણે અમે કામકાજને સામાન્ય સ્તરે લઈ આવ્યા હતા અને પ્રોત્સાહક પરિણામો આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને પગલે થયેલા લોકડાઉન છતાં કંપનીએ ત્રિમાસિક દરમ્યાન રેકોર્ડ ફંડ એકત્ર કર્યું હતું.
કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામા કુલ ખર્ચમાં 42 ટકા ઘટાડો કર્યો
કંપની જૂન ત્રિમાસિક ગાળામાં કુલ ખર્ચમાં આશરે 42 ટકાનો ઘટાડો કરવામાં સફળ રહી હતી. જૂન, 2020 ત્રિમાસિકમાં કંપનીનો કુલ ખર્ચ 87,406 કરોડ રૂપિયા રહ્યો હતો, જે ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં 1,50,858 કરોડ રૂપિયા હતો. એની સાથે કંપનીની કોન્સોલિડિટેડ કુલ આવક વાર્ષિક ધોરણે 42 ટકા ઘટીને 95,626 કરોડ રૂપિયા રહી હતી.
રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સે પહેલા ત્રિમાસિક ગાળામાં 1.52 લાખ કરોડ એકત્ર કર્યા
કંપનીએ રાઇટ ઇશ્યુ દ્વારા 53,124 કરોડ અને જિયો પ્લેટફોર્મ્સમાં આશરે 33 ટકા હિસ્સો ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓને વેચીને 1,52,056 કરોડ એકત્ર કર્યા હતા.