કોવિડ મહામારી દરમિયાન મદદરૂપ થવામાં આગેવાની લેનાર નીતા અંબાણીની સરાહના કરાઈ
અમેરિકાના ‘ટાઉન એન્ડ કન્ટ્રી’ મેગેઝિન દ્વારા જારી કરાયેલી યાદીમાં નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન એકમાત્ર ભારતીય છે
મુંબઈઃ અમેરિકાના અગ્રગણ્ય મેગેઝિન ‘ટાઉન એન્ડ કન્ટ્રી’ના સમર ઇશ્યૂમાં નીતા અંબાણી અને એમની સેવાભાવી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશનનો વર્ષ 2020ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોવિડ-19ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં લોકોની જિંદગીઓ બચાવવા અને લોકો માટે આશાનું કિરણ બનવા બદલ નીતા અંબાણીનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહામારી સામે લડનારા યોદ્ધાઓ અને ગરીબોને ભોજન પહોંચાડવા, નાણાકીય સહાય પૂરી પાડવા અને ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવાની રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું નેતૃત્વ કરવા સહિતના નીતા અંબાણીના કાર્યો પર મેગેઝિને પ્રકાશ પાડ્યો છે. ટીમ કૂક, ઓપ્રા વિનફ્રે, લોરેન પોવેલ જોબ્સ, ધ લાઉડર ફેમિલી, ડોનેટેલા વર્સેસ, માઇકલ બ્લૂમબર્ગ, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને અન્યો સાથે નીતા અંબાણીનો આ યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે સમાવેશ કરાયો છે.
‘ટાઉન એન્ડ કન્ટ્રી’ અમેરિકાનું અગ્રગણ્ય લાઇફસ્ટાઇલ મેગેઝિન છે અને સતત 1846થી પ્રસિદ્ધ થતું સૌથી જૂનું મેગેઝિન પણ છે. આ મેગેઝિન દર વર્ષે એક અંક એવા લોકો માટે સમર્પિત કરે છે જે લોકો પોતાના સમર્પણ, કૌશલ્ય અને વિશાળ હૃદયનો પરિચય આપીને માનવ સમાજ માટે ઉત્તમ કાર્યો અને દાન કરે છે. મેગેઝિને નોંધ્યું હતું કે, મહામારીના પગલે ઊભી થયેલી ઐતિહાસિક પરિસ્થિતિમાં આ વર્ષ વિશેષ મહત્વ ધરાવે છે અને આ લોકોએ માણસોની જિંદગી અને આપણો આશાવાદ જીવંત રાખ્યો છે.
મેગેઝિને વધુમાં લખ્યું છે કે, આપણે અનેકવાર જોયું છે કે, ત્રાસવાદી હુમલો થાય કે, કોઈ ગોઝારી ઘટના કે કોઈ આઘાતજનક ઘટના બને ત્યારે આ લોકો ઉદાર હૃદય સાથે અત્યંત ઝડપથી અસરગ્રસ્તોની મદદે પહોંચી જાય છે. તેમની ચપળતા અને પ્રતિભાવ તેમને અનોખા દાનેશ્વરી બનાવે છે… અને આવા સમયે અને દરેક વિકટ પરિસ્થિતિઓમાં લોકો માટે તેમની આ દાનપ્રવૃત્તિ મહત્વનું પરિબળ બની રહે છે.
નીતા અંબાણી અને એમના ફાઉન્ડેશનના પ્રયાસોની સરાહના કરતાં મેગેઝિને નોંધ્યું છે કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પરોપકારી પહેલ કરનાર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ મહામારી સામે લડનાર લાખો યોદ્ધાઓ અને ગરીબોને ભોજન અને માસ્કનું વિતરણ કર્યું, ભારતની પહેલી કોવિડ-19 દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ યુદ્ધના ધોરણે ઊભી કરી અને ઇમજરન્સી ફંડમાં 72 મિલિયન અમેરિકી ડોલરનું યોગદાન પણ આપ્યું છે.”
આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતા અંબાણીએ કહ્યું કે, “કટોકટીમાં હંમેશા તાત્કાલિક અને સમયસરના પગલાં, રાહત, સંસાધનો, ચપળતા અને સૌથી અગત્યની કરૂણાની જરૂર પડે છે. અમારા આટલા વર્ષોના અનુભવથી અમે ફાઉન્ડેશન તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કટોકટીમાં તાત્કાલિક, વિવિધતાપૂર્ણ શિસ્તબદ્ધ અને ગણતરીપૂર્વકના પગલાં લેવા માટે તૈયાર કર્યા છે જેનાથી અમારા પ્રયાસોનું ધાર્યું અને લાંબા ગાળાનું પરિણામ મળે. અમારી પહેલની વૈશ્વિક સ્તરે સરાહના થતાં અમે સંતુષ્ટ પણ છીએ અને વિનમ્ર પણ છીએ. પરોપકારની અમારી ભાવના અમારી સરકાર અને અમારા સમુદાયને જ્યારે જરૂર પડે ત્યારે આગળ આવવા માટે સમર્પિત છે.”
કોવિડ-19 મહામારીએ દેશમાં આરોગ્ય અને માનવતાના મોરચે જે કટોકટી ઊભી કરી છે તેની સામે લડવા માટે નીતા અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ ફાઉન્ડેશને તેના ભરપૂર પ્રયાસો આદર્યા છે. માર્ચ મહિનાના માત્ર બે અઠવાડિયામાં મુંબઈમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને 100-પલંગની કોવિડ હોસ્પિટલ ઊભી કરી હતી. માર્ચ મહિનાના અંત સુધી કોવિડના દર્દીઓને ભરતી કરવાનું શરૂ કરનારી આ હોસ્પિટલને એપ્રિલ મહિના સુધીમાં 220-પલંગની હોસ્પિટલમાં પરિવર્તિત કરી દેવામાં હતી.
લાખો લોકોની આજીવિકા જતી રહેતાં ઊભી થયેલી માનવીય કટોકટીને પહોંચી વળવા માટે રિલાયન્સ ફાઉન્ડેશને સમગ્ર દેશમાં અન્ન સેવાના નેજા હેઠળ ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. અત્યાર સુધીમાં 50 મિલિયન (પાંચ કરોડ) ભોજન પહોંચાડવામાં આવી ચૂક્યા છે અને આમ આ કાર્યક્રમ કોઈ કોર્પોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી મોટી પહેલ બની રહી છે.
રિલાયન્સ ફાઉન્ડેશને તેના વૈવિધ્યપૂર્ણ પ્રયાસોને જારી રાખતાં લોકો માટે ઓનલાઇન તબીબી સહાય, મુંબઈમાં કોવિડના દર્દીઓ માટે હોમ ક્વોરન્ટાઇન સુવિધા, ગ્રામીણ લોકોને સહાય, સમગ્ર દેશમાં પાલતુ તથા રસ્તે રખડતાં જાનવરો માટે ખોરાક અને તબીબી સહાય પહોંચાડવા સહિતના પગલાં લીધા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માસ્ક અને પીપીઈ કીટનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે અને દેશને મહામારી સામે લડવા માટે જરૂરી સાધનોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે.