પતંજલિએ લોન્ચ કરી કોરોનાની પહેલી આયુર્વેદિક દવા ‘કોરોનિલ’

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને વિશ્વ આખું કોવિડ-19 રોગચાળાથી ત્રસ્ત છે ત્યારે યોગગુરુ બાબા રામદેવે આજે કોવિડ-19ની સારવાર માટે ‘દિવ્ય કોરોનિલ’ ટેબ્લેટ લોન્ચ કરી છે. કોરોનાની પહેલી આયુર્વેદિક દવા કોરોનિલના લોન્ચિંગના અવસરે બાબા રામદેવે દાવો કર્યો છે કે આ દવાની જે દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી, એમાંથી 69 ટકા દર્દીઓ માત્ર ત્રણ દિવસમાં પોઝિટિવમાંથી નેગેટિવ અને સાત દિવસની અંદર 100 ટકા રોગીઓ કોરોનાથી મુક્ત થઈ ગયા હતા. આ દવાનો પ્રયોગ 280 લોકો પર કરવામાં આવ્યો હતો.  અમારી દવાનો સો ટકા રિકવરી રેટઃ બાબા રામદેવ

રામદેવે કહ્યું હતું કે અમારી દવાનો સો ટકા રિકવરી રેટ છે અને ઝીરો ટકા ડેથ રેટ છે. ભલે લોકો હાલ અમારા આ દાવા પર સવાલો કરે, પણ અમારી પાસે દરેક સવાલનો જવાબ છે. અમે બધા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.

દિવ્ય કોરોનિલ ટેબ્લેટ લોન્ચ કરવા તૈયાર

પતંજલિ આયુર્વેદની ઔષધિ દિવ્ય કોરોનિલ ટેબ્લેટની કોવિડ-19 દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામોની જાહેરાત આજે પતંજલિ યોગપીઠ હરિદ્વારમાં યોગ ગુરુ બાબા રામદેવ અને એમના સહાયક આચાર્ય બાલકૃષ્ણએ કરી હતી. આ પ્રસંગે બાબ રામદેવે કહ્યું હતું કે દેશ જે ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યો હતો કે કોરોનાની ક્યાંકથી દવા મળી જાય. તો, આયુર્વેદની પહેલી દવા પતંજલિએ બનાવી લીધી છે, જે ક્લિનિકલ કન્ટ્રોલ્ડ ટ્રાયલ પછી આજે લોન્ચ થવા માટે તૈયાર છે.

ક્લિનિકલ કન્ટ્રોલ ટ્રાયલ એના અંતિમ તબક્કામાં

પતંજલિ યોગપીઠના જણાવ્યા મુજબ કોરોના ટેબ્લેટ થયેલું સંશોધન એ પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હરિદ્વાર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જયપુરના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. આ દવાનું નિર્માણ દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ હરિદ્વારમાં કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોની ટીમ, સંશોધનકર્તા અને ડોક્ટર પણ હાજર છે. કેટલાક દિવસ પહેલાં આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો હતો કે પતંજલિ અનુસંધાન સંસ્થામાં પાંચ મહિના સુધી ચાલેલા સંશોધન અને ઉંદરો પર કેટલાંય સફળ પરીક્ષણ પછી કોવિડ-19ની આયુર્વેદિક દવા તૈયાર કરવામાં સફળતા મળી છે. આના માટે જરૂરી ક્લિનિકલ કેસ અભ્યાસ પૂરો થઈ ચૂક્યો છે. હાલ ક્લિનિકલ કન્ટ્રોલ ટ્રાયલ એના અંતિમ તબક્કામાં છે.  

દવામાં કયા ઔષધિ તત્ત્વો

આચાર્ય બાલકૃષ્ણના અનુસાર આ દવામાં અશ્વગંધા, ગિલોય, તુલસી, શ્વાસારી રસ અને અણુ તેલ છે. આ દવાના પ્રયોગ, સારવાર અને પ્રભાવના આધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બધી મુખ્ય સંસ્થા, જર્નલ વગેરેમાં પ્રમાણિત છે. અમેરિકાના બાયોમેડિસિન ફાર્મોકોથેરપી ઇન્ટરનેશનલ જર્નલમાં આ શોધ પ્રકાશિત થઈ ચૂકી છે.

દેશમાં કોરોની કેટલીય દવાઓ મંજૂર

દેશમાં કોરોનાની સારવાર માટે અત્યાર સુધી મુખ્ય રૂપથી ત્રણ દવા સિપ્રેમી, ફેબીફ્લુ અને કોવિફોર ઉપયોગ થઈ રહી છે. સિપ્રેમી અને કોવિફોર એન્ટિવાઇરલ ડ્રગ રેમડેસિવીરનું જેનેરિક વર્ઝન છે. ત્યારે ફેબીફ્લુમાં ઇન્ફ્લુએન્ઝાની દવા Favipiravirનું જેનેરિક રૂપ છે.આ ત્રણને હાલમાં જ મંજૂરી મળી છે.

દવા આ રીતે કામ કરે છે

આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા મુજબ દિવ્ય કોરોનિલ ટેબ્લેટમાં સામેલ અશ્વગંધા કોવિડ-19ના RBDને માનવ શરીરના ACEથી મળવા નથી દેતા. આનાથી સંક્રમિત માનવ શરીરની સ્વસ્થ કોશિકાઓમાં પ્રવેશ નથી કરી શકતા. બીજી બાજુ ગિલોય પણ સંક્રમણ થતાં રોકે છે. તુલસી કમ્પાઉન્ડ કોવિડ-19ના RNA-પોલિમરીઝ પર અટેક કરીને એના ગુણાંકમાં વૃદ્ધિ કરવાની શક્યતાને અટકાવતા જ નથી, પણ એને એનું સતત સેવન કરવાથી એને ખતમ પણ કરે છે. જ્યારે શ્વાસારિ રસ વધુપડતા કફને બનતાં પહેલાં અટકાવે છે અને કફને ખતમ કરીને ફેફસાંના સોજાને ઓછો કરી દે છે.