RBIને, દિલ્હીની સ્કૂલોને મળી બોમ્બથી ઉડાડવાની ધમકી

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. આ ધમકી એક ઈમેઇલ દ્વારા મળી હતી. આ કેસની ગંભીરતાને જોતાં મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ધમકીવાળો ઈમેઇલ રશિયન ભાષામાં આવ્યો હતો. આ ધમકીનો ઈમેઇલ રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઇટ પર આવ્યો હતો.આ ઈમેઇલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરના ઈમેઇલ પર મોકલવામાં આવ્યો હતો જેમાં વિસ્ફોટકો દ્વારા બેન્કને ઉડાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી RBIએ મુંબઈના માતા રમાબાઇ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓ પણ સતર્ત છે, કેમ કે ધમકીવાળો ઈમેઇલ રશિયાની ભાષામાં આવ્યો છે.

સુરક્ષા એજન્સીઓ એ માલૂમ કરી રહી છે કે આ ધમકીભર્યો ઈમેઇલનું IP એડ્રેસ શું છે, જે પછી ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે.

આ અગાઉ પણ નવેમ્બરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના કસ્ટમર કેર વિભાગને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો, ફોન પર તે વ્યક્તિએ કહ્યું હતું કે હું લશ્કર-એ-તૈયબાનો CEO છું. ધમકી આપનાર વ્યક્તિએ પાછળનો રસ્તો બંધ કરો, ઈલેક્ટ્રિક કાર ખરાબ થઈ ગઈ છે તેમ કહી ફોન કટ કરી દીધો હતો.

ગુરુવારે બપોરે RBIને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી, જ્યારે આજે સવારે દિલ્હીની છ સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી પણ મળી હતી.