કોલકાતાઃ વાવાઝોડા ‘રેમલ’થી પશ્ચિમ બંગાળનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કોલકાતા સહિત કેટલાય ભાગોમાં વરસાદ થયો છે. વાવાઝોડાને કારણે નેતાજી સુભાષચંદ્ર બોસ એરપોર્ટથી કેટલીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. જળ ભરાવાને કારણે શહેરના રસ્તા પાણીમાં ડૂબ્યા છે. કોલકાતામાં દીવાલ પડવાથી એકનું મોત થયું છે. હવામાન વિભાગ અનુસાર ‘રેમલ’ હવે નબળું પડી ચૂક્યું છે.
એ સાથે ‘રેમલ’ની અસર બીરભૂમ, પૂર્વ વર્ધમાન, નદિયા, પૂર્વ મિદનાપુર, બાંકુંડા, દક્ષિણ 24 પરગણા, ઉત્તર પરગણા, કોલકાતા, વિધાનનગરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકારે અલર્ટ જારી કરીને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી હતી. SDRF સહિત અનેક એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગી હતી.
રવિવારે મોડી રાતે બંગલાદેશ અને પશ્ચિમ બંગાળની વચ્ચે વાવાઝોડા ‘રેમલે’ 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લેન્ડફોલ કર્યું હતું. ‘રેમલ’ને કારણે કેટલાંય ઘરો નષ્ટ કર્યાં છે. ‘રેમલ’ને કારણે કોલકાતામાં 15 સેમી વરસાદ થયો છે. શહેરમાં વરસાદ જારી છે. કેટલાંય વિસ્તારોમાં વૃક્ષો ઊખડી ગયાં છે. કેટલાંય વાહનો ક્ષતિગ્રસ્ત થયાં છે. વાવાઝોડું આવતાં પહેલાં સુંદરબન અને સાગરદ્વીપ સહિત બંગાળના તટીય વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા હતા.બીજી બાજુ. ઉત્તર ભારતમાં લોકો ભીષણ ગરમીનો માર સહન કરી રહ્યા છે, ત્યારે વાવાઝોડા ‘રેમલ’થી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.