મુંબઈઃ દેશમાં એક નવી એરલાઈન શરૂ થવાની છે. ‘બિગ બુલ’ તરીકે જાણીતા અગ્રગણ્ય સ્ટોક માર્કેટ લોન્ગ ટર્મ ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના સમર્થનવાળી નવી એરલાઈન ‘અકાસા એર’ને દેશમાં વિમાનસેવા શરૂ કરવા માટે કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. પોતાને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયાની જાહેરાત ‘અકાસા એર’ની હોલ્ડિંગ કંપની એસ.એન.વી. એવિએશન પ્રા.લિ. દ્વારા એક નિવેદનમાં કરવામાં આવી છે. ‘અકાસા એર’ આવતા વર્ષે ઉનાળાની મોસમથી પોતાની વિમાનસેવા શરૂ કરવા ધારે છે. ‘અકાસા એર’ની કંપનીમાં ઝુનઝુનવાલાનો 40 ટકા હિસ્સો હોવાનું કહેવાય છે. ઝુનઝુનવાલાનું કહેવું છે કે ‘અકાસા એર’ લોકોને અત્યંત સસ્તા દરે અને આરામદાયક વિમાન સફર કરાવશે. લોકોને નવા રૂટ પર પ્રવાસ કરાવશે. કંપનીના વિમાન નાના એરપોર્ટ ઉપર પણ આસાનીથી ઉતરશે.
‘અકાસા એર’ને રાકેશ ઝુનઝુનવાલા ઉપરાંત જેટ એરવેઝના ભૂતપૂર્વ સીઈઓ વિનય દુબેનો પણ ટેકો છે. દુબે હવે ‘અકાસા એર’ના સીઈઓ છે. આ એરલાઈનની બોર્ડ પર ડાયરેક્ટર તરીકે ઈન્ડીગો એરલાઈનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ આદિત્ય ઘોષ પણ જોડાયા છે. ‘અકાસા એર’ આવતા ચાર વર્ષમાં અંદાજે 70 ફ્લાઈટ્સને ઓપરેટ કરવાનો પ્લાન ધરાવે છે. વિમાન ખરીદી માટે એરલાઈન આંતરરાષ્ટ્રીય વિમાન ઉત્પાદક એરબસ સાથે વાટાઘાટ કરી રહી છે.
