રાજ્યસભાનું ગણિત: BJPને મોટો ફાયદો પણ બહુમતીથી રહેશે દૂર

નવી દિલ્હી- દેશના 16 રાજ્યોમાં રાજ્યસભાની 58 બેઠક માટે આગામી 23 માર્ચે યોજાનારી ચૂંટણી સત્તાધારી પક્ષ NDA માટે ઘણી મહત્વની બની રહેશે. સંસદના ઉપરના ગૃહમાં સત્તાધારી NDAનું સંખ્યાબળ વિપક્ષથી ઓછું છે. અને રાજ્યસભાની આગામી ચૂંટણી બાદ NDAની સ્થિતિ મજબૂત થશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.રાજ્યસભામાં સંખ્યાબળ ઓછું હોવાને કારણે NDA અનેકવાર મહત્વના ખરડાઓ પસાર કરાવી શકી નથી. જેથી NDA સરકાર માટે આ ચૂંટણી ઘણી જ મહત્વની છે. જોકે રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો 23 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી બાદ BJPના નૈતૃત્વવાળી NDA સરકારને મોટો ફાયદો થશે, પણ સંસદના ઉપલા ગૃહમાં બહુમતિનો આંકડો મેળવી શકશે નહીં.

એક નજર ચૂંટણી પ્રક્રિયા ઉપર

આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના 26 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ને નાણાંપ્રધાન અરુણ જેટલી સહિત 8 નામ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ગતરોજ જાહેર કરાયેલી બીજી યાદીમાં અન્ય 18 નામની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે BJP 26 બેઠક પર જીત મેળવી શકે છે.

આપને જણાવી દઈએ કે, રાજ્યસભામાં કુલ 250 બેઠક છે, અને બહુમતનો જાદુઈ આંકડો 126 છે. રાજ્યસભામાં વર્તમાન સદસ્યોની સંખ્યા 239 છે. જો ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી ઉમેદવારો તેની ધારણા મુજબ બેઠક જીતશે તો રાજ્યસભામાં તેઓની બેઠકની સંખ્યા 100 સુધી પહોંચી જશે. જોકે આ સ્થિતિમાં પણ બહુમતના જાદુઈ આંકડાથી NDA થોડી પાછળ રહી જશે.