નવી દિલ્હીઃ ભારતીય રેલવે યાત્રીઓ માટે સુવિધામાં સતત વધારો કરી રહી છે. રેલવે સામાન્ય નાગરિકોને ઓછા ભાડાંમાં AC કોચમાં પ્રવાસ કરવાની સુવિધા આપવા ઇચ્છે છે. એના માટે રેલવે સ્લીપર અને જનરલ કોચને AC કોચમાં તબદિલ કરવાની યોજના બનાવી રહી છે. રેલવે દેશભરમાં AC કોચની ટ્રેનો લાવવાની યોજના બનાવી રહી છે, જેનાથી યાત્રીઓને ઓછા ભાડામાં આરામદાયક પ્રવાસની સુવિધા મળશે. અધિકારીઓ પ્રાસેથી મળેલી માહિતી અનુસાર અપગ્રેડ કરવામાં આવેલા સ્લીપર કોચને ઇકોનોમિકલ AC 3-ટિયર કહેવામાં આવશે.
AC-ટિયરમાં 72ને બદલે 83 બર્થ
કપૂરથલા સ્થિત રેલવેની કોચ ફેક્ટરીને સ્લીપર કોચને AC કોચમાં તબદિલ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. નવા ઇકોનોમિકલ AC 3-ટિયરમાં 72 બર્થને બદલે 83 બર્થ હશે. આ ટ્રેનોનાં ભાડાં સસ્તાં હશે. પહેલા તબક્કામાં 230 કોચનું ઉત્પાદન કરવામાં આવશે.
દરેક કોચને બનાવવામાં 2.8થી 3 કરોડ રૂપિયા સુધીનો અંદાજે ખર્ચ થશે, જે AC 3-ટિયર બનાવવાના ખર્ચથી 10 ટકા વધુ છે. વધુ બર્થ અને માગને લીધે રેલવેને ઇકોનોમિકલ AC 3-ટિયરથી સારીએવી કમાણી થવાની આશા છે. આ સિવાય અનરિઝર્વ્ડ જનરલ ક્લાસના ડબ્બાને પણ 100 સીટોના AC કોચમાં ફેરવવામાં આવશે. આ માટેની ડિઝાઇનને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
આવી યોજના પહેલાં પણ
વર્ષ 2004-09 દરમ્યાન UPA-I સરકાર દરમ્યાન ઇકોનોમિકલ AC 3-ટિયર કોચને તૈયાર કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. એ સમયે ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનો લોન્ચ થઈ હતી, જેને AC ઇકોનોમી ક્લાસ કહેવામાં આવ્યા. જોકે યાત્રીઓએ આ પ્રવાસ દરમ્યાન મુશ્કેલી થતી હોવાની વાત કહી હતી અને ટ્રેનોમાં ભીડની સ્થિતિ ઊભી થવા લાગી હતી. ત્યાર બાદ આ પ્રકારના કોચનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું.
