સ્પેશિયલ પેસેન્જર ટ્રેનોમાં કઈ કઈ સુવિધાઓ નહીં મળે?

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ કહ્યું છે કે, અમારી યોજના 12 મેના મંગળવારથી ચરણબદ્ધ રીતે યાત્રી ટ્રેન સેવાઓ શરુ કરવાની છે. શરુઆતમાં પસંદગીના રૂટ પર 15 જોડી ટ્રેન (અપ અને ડાઉન મળીને 30) ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ રેલવેએ કહ્યું છે કે, આ ટ્રેનોમાં પોતાની સીટ રીઝર્વ કરાવનાર પ્રવાસીઓએ એમના પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા એક કલાક પહેલા રેલવે સ્ટેશન પર પહોંચવું પડશે. અધિકારીઓએ જણાવ્યું કે, આરક્ષણ દરમિયાન પ્રાપ્ત ટિકિટો પર શું કરવું અને શું ન કરવું તે સ્પષ્ટપણે લખેલું હશે. તેમાં માર્ગદર્શિકાઓનો પણ સમાવેશ કરાયો હશે. જેમકે ઓછામાં ઓછા એક કલાક પહેલા રેલવે સ્ટેશન પર પહોંચવું પડશે, પ્રસ્થાન સ્થાન પર મેડિકલ તપાસ કરાવવી પડશે, કોરોના વાયરસ સંક્રમણ સાથે જોડાયેલા અન્ય પ્રોટોકોલ્સનું પાલન કરવું પડશે, મોઢા પર માસ્ક ફરજિયાત પહેરવું પડશે તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

તેમણે કહ્યું કે, માત્ર કાયદેસર ટિકિટધારકોને જ રેલવે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી હશે. યાત્રીઓ માટે માસ્ક પહેરવું જરુરી છે અને સાથે જ સ્વાસ્થ્યની તપાસ પણ અનિવાર્ય હશે. માત્ર એ જ લોકોને ટ્રેનમાં ચઢવાની મંજૂરી મળશે જેમાં વાયરસના ચેપાન કોઈ જ લક્ષણો નહીં હોય. યાત્રા દરમિયાન ટ્રેન મર્યાદિત સ્ટેશનો પર થોભશે.

રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ વિન્ડો બંધ હશે. પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ પણ કાઉન્ટર ટિકિટ ઈસ્યૂ કરવામાં નહીં આવે. શરુઆતમાં તમામ 15 રાજધાની ટ્રેનોના માર્ગો પર વાતાનુકુલિત ટ્રેનસેવા શરુ કરાશે અને તેમનું ભાડુ સુપરફાસ્ટ ટ્રેનો જેટલું હશે.

આ વિશેષ ટ્રેનો નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રવાના થશે અને દિબ્રૂગઢ, અગરતાલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુલુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મૂ-તાવી જશે. શ્રમિક ટ્રેનોથી અલગ આ ટ્રેનોના ડબ્બાઓમાં તમામ 72 સીટો પર બુકિંગ થશે અને તેમના ભાડામાં કોઈપણ પ્રકારની છૂટની શક્યતા નથી. શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં એક ડબ્બામાં 54 યાત્રીઓને યાત્રા કરવાની મંજૂરી છે.

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે આ ટ્રેનોમાં યાત્રા કરનારા લોકોને બ્લેન્કેટ, ચાદર અને નેપકીન સહિતની કોઈપણ વસ્તુઓ આપવામાં નહી આવે.

આ ટ્રેનોનું રિઝર્વેશન આજે સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે અને રિઝર્વેશન માત્ર આઈઆરસીટીસી ની વેબસાઈટ મારફત જ કરાવી શકાશે.