AIIMS હોસ્પિટલમાં ભૂતપૂર્વ PM મનમોહન સિંહની તબિયત હાલ સ્થિર

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાનને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદને લીધે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત આજે સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોનું કહેવું છે.

ડો. મનમોહન સિંહને ગઈ કાલે રાત્રે પોણા નવ કલાકે એમ્સમાં કાર્ડિયો-થોરેસિક (હૃદય અને છાતી સંબંધિત) વોર્ડમાં તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. 2009માં આ જ હોસ્પિટલમાં મનમોહન સિંહની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.  

મનમોહન સિંહના દીર્ઘાયુ માટે ટ્વીટ

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે મનમોહન સિંહના આરોગ્ય પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ જલદી સ્વસ્થ થઈ જાય અને ઇશ્વર તેમને સારુ સ્વાસ્થય અને દીર્ઘાયુ આપે એવી હું પ્રાર્થના કરું છું

આ પહેલાં મનમોહન સિંહે મહિનાની શરૂઆતમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે કોરોના સંકટ સામેના જંગમાં કોંગ્રેસ પાર્ટી દેશની પડખે ઊભી છે.

કોંગ્રેસના ટ્વિટર હેન્ડલથી પણ કરવામાં આવેલા ટ્વીટમાં જણાવાયું છે કે મનમોહન સિંહ જલદી સાજા થઈ જાય એની અમે પ્રાર્થના કરીએ છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે ડો. મનમોહન સિંહજીના સ્વાસ્થ્ય વિશે ઘેરી ચિંતા છે. આશા છે કે તેઓ જલદી સંપૂર્ણ રીતે સ્વસ્થ થાય. સંપૂર્ણ ભારત તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે.