ખાનગી દવાખાના, નર્સિંગ હોમ્સ ફરી શરૂ કરવા કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે, તેઓ પોતાને ત્યાં તમામ પ્રાઈવેટ ક્લીનિકને કામકાજ શરુ કરવાની મંજૂરી આપે. કેન્દ્ર સરકારે રાજ્યોને એ પણ ધ્યાન રાખવા કહ્યું છે કે, લોકડાઉન સમયગાળા દરમિયાન ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફને આવવા જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી થવી ન જોઈએ. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને આ પત્ર લખ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે, ડોક્ટર, નર્સ અને બીજા મેડિકલ સ્ટાફની એક રાજ્યથી બીજા રાજ્યમાં અવરજવરને સરળ બનાવવી જોઈએ. સાથોસાથ, કોવિડ અને બિન-કોવિડ દર્દીઓની સારવાર કે સેવાઓ કરતી વખતે ડોક્ટરો કે અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓને  ખલેલ ન પહોંચે એનું પણ ધ્યાન રાખે.

ભલ્લાએ કહ્યું કે, કેટલાય સ્થાનો પર પ્રાઈવેટ ક્લિનિકો અને નર્સિંગ હોમના સંચાલનની મંજૂરી ન આપવાના સમાચારો આવી રહ્યા છે. આ ખાનગી દવાખાના ચાલુ કરવા ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે હોસ્પિટલો પરનો બોજ ઓછો કરે છે.

ગૃહ સચિવે કહ્યું કે, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું તંત્ર તમામ પ્રાઈવેટ દવાખાના, નર્સિંગ હોમ અને લેબોરેટરીઓના તમામ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ સાથે ખોલવા માટે મંજૂરી આપે.

ભલ્લાએ કેબિનેટ સચિવ રાજીવ ગોબા સાથે થયેલી બેઠકનો પણ ઉલ્લેખ કર્યો કે જેમાં કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની અવરજવર પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જેમકે આપ બધા જાણો છો કે, ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ કોવિડ-19 વૈશ્વિક મહામારીને પહોંચી વળવામાં ખૂબ મહત્વપૂર્ણ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]