નવી દિલ્હીઃ રાજકીય કોરિડોરમાં લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની જાતિ પર ઘમસાણ મચ્યું છે. ઝારખંડના પાટનગર રાંચીમાં આસામના CM હિમંત બિશ્વ સરમાએ જાતિને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને વેધક સવાલ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પહેલાં રાહુલ ગાંધી પત્રકારોને તેમની જાતિ પૂછતા હતા. હવે જ્યારે લોકો તેમની જાતિ વિશે પૂછે છે, ત્યારે તેમને એનાથી અસહજતા થાય છે. શું જાતિ પૂછ્યા વિના જાતિ જનગણતરી થશે? એવો સવાલ તેમણે કર્યો હતો.
તેઓ જાતિની જન ગણતરી કરાવશે, પરંતુ પોતાની જાતિ નહીં બતાવે. એવું કેવી રીતે બને? આસામ CMએ વધુમાં કહ્યું હતું કે જો જન ગણતરી થશે તો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ પોતાની જાતિ બતાવવી પડશે.
આ પહેલાં લોકસભામાં મંગળવારે અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે જેમની કોઈ જાત નથી તેઓ જાતિની જનગણતરીની વાત કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમનો ઇશારો રાહુલ ગાંધીની તરફ હતો. જે પછી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ અન્યની જાતિ કેવી રીતે પૂછી શકે છે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એને અપમાન ગણાવ્યું હતું.
राहुल गांधी एक अनोखी चीज हैं। वे सबका जाति जानना चाहते हैं, लेकिन अपनी जाति नहीं बताएंगे। pic.twitter.com/1b0ciQ15Gq
— Himanta Biswa Sarma (@himantabiswa) August 2, 2024
ત્યાર બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અનુરાગ ઠાકુરે મારું અપમાન કર્યું છે અને હું તેમનાથી કોઈ માફી નથી ઇચ્છતો. તમે મને જેટલી ગાળો આપવી હોય તો આપો, પણ એ ના ભૂલો કે આ સંસદમાં જાતિ જન ગણતરીને અમે જરૂર પસાર કરીશું.