હાફિઝના છુટવા પર રાહુલનો કટાક્ષ: PMએ ટ્રમ્પ સાથે હજી ગળે મળવાની જરુર છે

નવી દિલ્હી- કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદનો પાકિસ્તાનની જેલમાંથી છુટકારો થયો તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પાકિસ્તાનમાં આતંકી હાફિઝ સઈદના છુટવા પર પીએમ મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા પર કટાક્ષ કર્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘નરેન્દ્રભાઈ વાત બની નહીં. આતંકનો માસ્ટર માઈન્ટ આઝાદ થઈ ગયો. પ્રેસિડેન્ટ ટ્રમ્પે લશ્કર ફંન્ડિંગ મામલે પાક. સેનાને ક્લિન ચીટ આપી. ગળે મળવાની નીતિ કામ ન આવી. હજી વધારે ગળે મળવાની જરુર છે’. જેથી કહી શકાય કે રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને મોદી સરકારને અનેક મોરચે ઘેરવા પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની અદાલતે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ટ અને જમાત-ઉદ-દાવાના ચીફ હાઉઝ સઈદને જેલથી મુક્ત કર્યો હતો. ભારત સહિત વિશ્વના અનેક દેશોએ પાકિસ્તાનના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. અમેરિકાએ પણ પાકિસ્તાન સરકારને હાફિઝ સઈદની ફરીવાર ધરપકડ કરવા જણાવ્યું છે.

આપને જણાવી દઈએ કે, હાફિઝે જેલમાંથી છુટ્યા બાદ કહ્યું હતું કે, ભારતના કહેવાથી અને અમેરિકાના દબાણને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. હાફિઝનું જેલમાંથી બહાર આવવું એ ભારત અને અમેરિકા જેવા દેશો માટે નવો પડકાર બની શકે છે.