દિલ્હી મેટ્રો: ભાડા વધારાનો નિર્ણય ‘બૂમરેંગ’ થયો, રોજ 3 લાખ મુસાફરો ઘટ્યાં

નવી દિલ્હી- દિલ્હી મેટ્રોમાં ટિકિટના ભાડામાં ગત ઓક્ટોબર મહિનામાં 50 ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જોકે આ વધારો બૂમરેંગ સાબિત થયો છે. ટિકિટના દરમાં વધારો કરાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં દરરોજ 3 લાખ જેટલો ઘટાડો નોંધાયો છે. RTI અંતર્ગત કરવામાં આવેલી એક અરજીમાં આ માહિતી સામે આવી છે. આપને જણાવી દઈએ કે, DMRCએ ઓક્ટોબર મહિનામાં મેટ્રોના ભાડામાં વધારો કર્યો હતો.

દિલ્હી મેટ્રોના ભાડામાં વધારો કરાયો તે પહેલાં રોજના 27.4 લાખ જેટલા પ્રવાસીઓ મુસાફરી કરતા હતાં. જે સંખ્યા હવે ઘટીને હવે 24.2 લાખ મુસાફરોની થઈ ગઈ છે. આમ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતાં યાત્રીઓની સંખ્યામાં 3 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે.

એક RTIના જવાબમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (DMRC) જણાવ્યું કે, મેટ્રોના સૌથી વ્યસ્ત રુટ બ્લૂ લાઈનમાં 30 લાખથી વધુ પ્રવાસીઓનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ગુરુગ્રામથી નોર્થ દિલ્હીને જોડતી યલો લાઇનમાં પ્રવાસીની સંખ્યામાં 19 લાખનો ઘટાડો નોંધાયો છે.

આપને જણાવી દઈએ કે, પ્રદૂષણ અને સ્મોગને કારણે પરેશાન થઈ રહેલા દિલ્હીવાસીઓ માટે મેટ્રો ટ્રેન એ પબ્લિક ટ્રાન્સપોર્ટનું પ્રમુખ માધ્યમ છે. જોકે હવે ભાડામાં વધારો કરવો એ દિલ્હી મેટ્રો માટે માથાના દુ:ખાવા સમાન બન્યું છે. કારણકે યાત્રીઓ ઘટવાને કારણે મેટ્રોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે જ, ઉપરાંત પ્રદૂષણ ઉપર નિયંત્રણ મેળવવાનો પ્રશ્ન પણ વધુ વિકટ બનશે.