આતંકીઓની ક્રૂરતા, જવાનનું અપહરણ કરી હત્યા નિપજાવી

શ્રીનગર- આતંકવાદીઓ દ્વારા ટેરિટોરિઅલ આર્મીના 23 વર્ષના જવાનનું અપહરણ કરી તેની હત્યા કરાયાની ઘટના સામે આવી છે. જવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેનો મૃતદેહ કશ્મીર ઘાટીના શોપિયાં જિલ્લામાંથી મળી આવ્યો છે. મૃતક જવાનનું નામ ઈરફાન અહમદ ડાર છે અને તે વેકેશન માટે ઘરે આવ્યો હતો. શુક્રવાર સાંજથી ઈરફાન લાપતા થયો હતો.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કશ્મીરમાં આતંકીઓના સફાયા માટે ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન ઓલ આઉટ આતંકીઓને ખટકી રહ્યું છે. ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત સેનાએ ચાલુ વર્ષ દરમિયાન આશરે 190થી પણ વધુ આતંકીઓનો સફાયો કર્યો છે. જેનો બદલો લેવા આતંકીઓએ ઈરફાનની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે. ઈરફાનનો મૃતદેહ મળ્યા બાદ જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં 3થી 4 આતંકી છુપાયા હોવાની સેનાના જવાનોને શંકા છે.

મૃતક જવાન ઈરફાન દક્ષિણ કશ્મીરના ગુરેજ સેક્ટરમાં ફરજ પર તહેનાત હતો. જે 10 દિવસ પહેલાં રજા લઈને ઘરે લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો, ઈરફાનનો મૃતદેહ સૌપ્રથમ સ્થાનિકોએ જોયો હતો. ત્યારબાદ તેમણે આ અંગે પોલીસને જાણ કરી. ઘટના અંગે શોપિયાંના SSPએ જણાવ્યું કે, જવાનનું અપહરણ કરાયું તે ઘટનાસ્થળ નજીકથી એક લાવારિસ કાર પણ મળી આવી છે.