રાફેલ ડીલ રદ કરવા SCમાં અરજી દાખલ કરાઈ, આગામી સપ્તાહે સુનાવણી

નવી દિલ્હી- રાફેલ ડીલ વિવાદનો મુદ્દો ગત કેટલાક સમયથી ભારતીય રાજકારણમાં છવાયો છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ રાફેલ ડીલને એક મોટું કૌભાંડ ગણાવીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરવા પ્રયાસ કરી રહી છે. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલેકે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહે આ મુદ્દે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી શકે છે. આ અંગેની અરજી વરિષ્ઠ વકીલ મનોહરલાલ શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ રાફેલ ડીલમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેથી આ સોદો રદ કરવાની માગણી કરવામાં આવી છે. જે અંગે સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહે સુનાવણી કરી શકે છે.

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડીલને લઈને સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષાપ્રધાનને ટાર્ગેટ કરતા રહ્યાં છે. લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષાપ્રધાન પર દેશ સમક્ષ જૂઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવતા રહ્યાં છે.