કોલકાતામાં ફ્લાયઓવર દુર્ઘટનામાં એકનું મરણ; 25 જણને કાટમાળ નીચેથી બચાવી લેવાયા

0
1247

કોલકાતા – દક્ષિણ કોલકાતાના તારાતલા વિસ્તારમાં આજે બપોરે લગભગ 4.40 વાગ્યાના સુમારે માજેરહાટ નામના ફ્લાયઓવરનો એક હિસ્સો તૂટી પડતાં અનેક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક જણનું મૃત્યુ થયું છે. ફાયર બ્રિગેડના જવાનો દુર્ઘટનાની જાણ થતાં તરત જ ત્યાં દોડી ગયા હતા અને કાટમાળમાંથી 25 જણને બચાવી લીધા હતા. 

બ્રિજ તૂટી પડતાં લોકો તથા અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા ગયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બ્રિજ ડાયમંડ હાર્બર રોડ પર આવેલો છે. આ પૂલની નીચે માજેરહાટ રેલવે સ્ટેશન આવેલું છે. આ પૂલ કોલકાતા શહેરના મધ્ય ભાગને બેહાલા, ઈકબાલપુર જેવા દક્ષિણ ભાગના ઉપનગરોને જોડે છે. આ બ્રિજ 60 વર્ષ જૂનો છે. તેની નીચેથી રેલવે લાઈન છે અને ત્યાંથી લોકલ ટ્રેન પણ પસાર થાય છે.

ઘણા દિવસોથી આ પૂલનું સમારકામ ચાલી રહ્યું હતું.

ફાયર બ્રિગેડ, પોલીસ તથા NDRFના જવાનો બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.

અનેક લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકો એમની મદદે ગયા છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી, જેઓ હાલ દાર્જિલિંગની ત્રણ દિવસની મુલાકાતે ગયાં છે. એમણે આ દુર્ઘટના અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ દુર્ઘટના અંગે પોલીસ વિભાગ પાસેથી અહેવાલ માગવામાં આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

કોલકાતાના મેયર તથા પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

httpss://twitter.com/SambitP/status/1036941995036438529