ચંડીગઢઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પંજાબના મુખ્ય પ્રધાન ચરણજિત ચન્નીના ભત્રીજાની ધરપકડ કરી છે, જેને જલંધરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. EDએ પંજાબના CMના ભત્રીજા ભૂપીન્દર સિંહ હનીની મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરી છે. તેની સાતથી આઠ કલાક પૂછપરછ કર્યા પછી ધરપકડ કરવામાં આવી છે.
પંજાબ પોલીસે સૌથી પહેલાં 2018માં આ મામલે ગેરકાયદે રેતી ખનનનો કેસ નોંધ્યો હતો. આ FIRમાં તેણે 26 આરોપીઓનાં નામ લીધાં હતાં, જેમાં મોટા ભાગના ટ્રક ડ્રાઇવર હતા. એ પંજાબ ખનન વિભાગની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. જે તપાસમાં માલૂમ પડ્યું હતું કે 2018માં દરોડામાં વગર મંજૂરીએ રેતી ખનન કરવામાં આવતું હતું. જોકે કેસમાં પ્રાથમિક રૂપે ભૂપીન્દર સિંહનું નામ નહોતું પણ કુદરત દીપ સિંહને પોલીસ તપાસ પછી છોડી મૂકવામાં આવ્યો હતો.
EDએ કહ્યું હતું કે ભૂપીન્દર સિંહ, કુમાર અને કુદરત દીપ સિંહે 2018માં 33.33 ટકા હિસ્સાની સાથે પ્રોવાઇડર ઓનરસીઝ કન્સલ્ટન્સી લિ. નામની કંપની સ્થાપી હતી. કેન્દ્રીય કોર્પોરેટ બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ ઓડિટ રિપોર્ટ અનુસાર 2019-2020માં કંપનીનું ટર્નઓવર રૂ. 18.77 લાખ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ચન્નીના CM બનતાં જ હની સિંહની લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઈ હતી. હની પાસે કેટલીય લક્ઝરી કારો છે, જે તેના ખુદના નામે નથી. તેની સૌથી વધુ ચર્ચા રૂ. 12 લાખની રોલેક્સ ઘડિયાળની થઈ રહી છે. તેની પાસે અનેક ઘડિયાળો છે. તેના માઇનિંગ વેપારીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે.