ચંડીગઢ/લખનઉ: પંજાબમાં 117-બેઠકોની વિધાનસભાની નવી મુદતની ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આ રાજ્યમાં ચૂંટણી એક જ તબક્કામાં યોજાઈ રહી છે. 23 જિલ્લાઓમાં 117-મતવિસ્તારોમાં મતદાન શરૂ થયું છે. કુલ 2.14 કરોડ મતદારો છે, જેઓ 1,304 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. પંજાબમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિરોમણી અકાલી દળ-બહુજન સમાજ પાર્ટી જોડાણ, ભારતીય જનતા પાર્ટી-અમરિન્દરસિંહની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી જોડાણ વચ્ચે મુખ્ય હરીફાઈ છે. કોંગ્રેસ પાર્ટી મુખ્ય પ્રધાન ચરણજીતસિંહ ચન્નીની આગેવાની હેઠળ બીજી મુદત જીતવા માગે છે. SAD-BSP જોડાણ કર્યું છે, તો ભાજપે કોંગ્રેસ છોડી દેનાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે રચેલી નવી પાર્ટી સાથે જોડાણ કર્યું છે.
2017ની ચૂંટણીમાં, કોંગ્રેસે 77 સીટ જીતી હતી. આમ આદમી પાર્ટીએ 20, SADએ 18 સીટ જીતી હતી.
ઉત્તર પ્રદેશમાં 16 જિલ્લાઓમાં મતદાન
ભાજપશાસિત ઉત્તર પ્રદેશ રાજ્યમાં 403-બેઠકોવાળી વિધાનસભાની સાત તબક્કામાંની ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે. 16 જિલ્લાઓમાં 59 મતવિસ્તારોમાં લોકો મતદાન કરી રહ્યાં છે. કુલ 2.15 કરોડ મતદારો છે, જેઓ 627 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. આજે હાથરસ, ફિરોઝાબાદ, એટા, કાસગંજ, મૈનપુરી, ફર્રુખાબાદ, કન્નૌજ, ઈટાવા, ઓરૈયા, કાનપુર દેહાત, કાનપુર નગર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર, મહોબા જિલ્લાઓમાં મતદાન છે. ભાજપને મુખ્ય ટક્કર આપી રહેલી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અખિલેશ સિંહ યાદવ મૈનપુરી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. 2017ની ચૂંટણીમાં ભાજપે આ 59 સીટમાંથી 49 પર વિજય હાંસલ કર્યો હતો. સમાજવાદી પાર્ટીને 9 સીટ મળી હતી. કોંગ્રેસને એક સીટ મળી હતી.
બંને રાજ્યમાં 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે.
