મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં MVAમાં CMપદને ખેંચતાણ

મુંબઈઃ શરદ પવારે ભાજપથી નારાજ થયેલા ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ આઘાડી (MVA) સરકારના CM બનાવવા માટે સલાહ આપી હતી, પણ હવે તેઓ એ મુદ્દે ફરી ગયા છે, જેથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBTએ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં CM પદ પર દાવો કર્યા બાદ પાછીપાની કરી છે.

કોંગ્રેસ અને શરદ પવાર જૂથે ઠાકરેને દાવાને મહત્વ ન આપતા છેવટે પાર્ટીના નેતા સંજય રાઉતે CMપદ અંગે મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે MVAના CMપદના ઉમેદવાર અંગે ચૂંટણી બાદ પણ નિર્ણય લેવામાં આવી શકે છે. સંજય રાઉતે (Sanjay Raut) આજે (5 સપ્ટેમ્બર) કહ્યું કે, ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એમવીએના મુખ્યમંત્રી પદના ચહેરા અંગે ચૂંટણી બાદ પણ વાતચીત થઈ શકે છે. હાલ અમારું લક્ષ્ય રાજ્યમાંથી ભ્રષ્ટ વર્તમાન સરકારને હટાવવાનું છે.’

આ પહેલા શરદ પવારે કહ્યું હતું કે  હાલ MVAને CMપદ માટે ચહેરો જાહેર કરવાની કોઈ જરૂર નથી. આ અંગેનો નિર્ણય ચૂંટણી પરિણામો બાદ સંખ્યાબળને આધારે લઈ શકાય છે. ગઈ કાલે પવારે આપેલા નિવેદન બાદ રાઉતે કહ્યું હતું કે પવાર સાહેબ 100 ટકા સત્ય કહી રહ્યા છે. આ  ત્રણ પક્ષોની સરકાર છે અને મહારાષ્ટ્રમાં MVAને જ બહુમતી મળશે. અમારું પ્રથમ કામ વર્તમાન સરકારને હટાવવાનું છે. અમે પછી કોઈ પણ સમયે CMપદ અંગે વાત કરી શકીએ છીએ.

ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું હતું?

આ પહેલાં શિવસેના UBTના વડા ઉદ્ધવ ઠાકરે છેલ્લા એક મહિનાથી કહી રહ્યા હતા કે, મહાવિકાસ અઘાડી તરફથી CMપદનો ચહેરો ચૂંટણી પહેલાં નક્કી કરી લેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ગઠબંધનમાં સૌથી વધુ બેઠકો કયા પક્ષને મળી, તે આધારે CMનો ચહેરો નક્કી ન કરવો જોઈએ. તેમનો સ્પષ્ટ ઈશારો હતો કે  CMપદ પર ઉદ્ધવ સેનાનો દાવો છે અને આ માટે તેમના નેતાને ચહેરો બનાવવામાં આવે.