નવી દિલ્હીઃ બેન્ક કર્મચારીઓનાં નવ સંગઠનોના નેતૃત્વ કરતી સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે (UFBUએ) જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં મંગળવારે 15 માર્ચથી બે દિવસની હડતાળનું આહવાન કર્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને એક ફેબ્રુઆરીએ બજેટ ભાષણમાં શેરવેચાણના કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની બે બેન્કોના ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી.જેનો વિરોધ કરવા અને બીજી અન્ય બાબતોનો વિરોધ કરવા આ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
સરકાર આ પહેલાં આઇડીબીઆઇ બેન્કમાં સરકારી હિસ્સો એલઆઇસીને વેચીને એનું ખાનગીકરણ કરી ચૂકી છે. છેલ્લાં ચાર વર્ષમાં જાહેર ક્ષેત્રની 14 બેન્કોનું વિલીનીકરણ થઈ ચૂક્યું છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશન (AIBEA)ના મહા સચિવ સી. એચ. વેંકટચલમે કહ્યું હતું કે યુએફબીયુની મંગળવારે થયેલી બેઠકમાં બેન્કોના ખાનગીકરણના સરકારના નિર્ણયનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો.
સરકારે બજેટમાં જે પગલાં જાહેર કર્યાં છે એ અને બેન્ક કર્મચારીઓનાં હિતોની વિરુદ્ધ છે, એટલે એના વિરોધની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. AIBOCના મહાસચિવ સૌમ્ય દત્તે કહ્યું હતું કે વિચારવિમર્શ પછી સરકારના નિર્ણયની વિરુદ્ધ 15-16 માર્ચે બે દિવસની હડતાળનું એલાન કર્યું છે.
યુએફબીયુના સભ્યોમાં ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિયેશન (AIBEA), ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન, નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોયીઝ સહિત અનેક બેન્ક યુનિયનો સામેલ છે.