પીએમ મોદી આજે થશે શિર્ડીના સાઈબાબાના ચરણમાં નતમસ્તક

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે. તેઓ જિલ્લાના યાત્રાધામ શિર્ડી અને અકોલે શહેર જશે જ્યાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, શિલાન્યાસ વિધિ સંપન્ન કરશે. મોદી શિર્ડીમાં સાઈબાબાના મંદિરમાં દર્શન કરવા જશે અને પૂજા પણ કરશે. તેઓ મંદિરમાં અડધો કલાક સુધી રહેશે. એ સમય દરમિયાન મંદિર સામાન્ય નાગરિકો-ભક્તો માટે બંધ રખાશે. મોદીના પ્રવાસને ધ્યાનમાં લઈને શિર્ડી શહેરમાં પોલીસનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પીએમ મોદી શિર્ડી નજીકના કાકડી ગામમાં એક જનસભાને સંબોધિત પણ કરશે. મોદી 2008માં ગુજરાતના મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે શિર્ડીમાં સાઈબાબાના દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ 2018માં વડા પ્રધાન તરીકે આવ્યા હતા. આ તેમની ત્રીજી મુલાકાત છે. સાઈબાબા મંદિર ખાતે દર્શનાર્થીઓ જ્યાં લાઈનમાં ઊભાં રહે છે તે નવા એરકન્ડિશન્ડ સંકુલ અને એક શૈક્ષણિક સંકુલનું ઉદઘાટન કરશે.

આ હશે વડા પ્રધાનનો અહમદનગર પ્રવાસનો કાર્યક્રમઃ

  • મોદીજી આજે બપોરે 1 વાગ્યે શિર્ડી પહોંચશે. સાઈબાબા સમાધી મંદિરમાં જઈને તેઓ દર્શન કરશે, પૂજા કરશે.
  • મંદિરમાં મોદીજીના હસ્તે પાદ્ય-પૂજા કરવામાં આવશે. સાથોસાથ, એમના હસ્તે ‘શિર્ડી માઝે પંઢરપૂર’ ધૂપ આરતી કરવામાં આવશે. ત્યારબાદ સાઈબાબા સંસ્થાનની વર્ષ 2024 માટેની ડાયરીનું પ્રકાશન પણ મોદીજીના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ તેઓ અકોલે તાલુકાના નિળવંડે બંધ ખાતે જળપૂજન માટે રવાના થશે.
  • બપોરે બે વાગ્યે તેઓ નિળવંડે બંધનું જળપૂજન કરશે. સાથોસાથ, નિળવંડે બંધની નહેરનું લોકાર્પણ પણ કરશે.
  • બપોરે 3.15 વાગ્યે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ યોજનાઓ આરોગ્ય, રેલવે, રસ્તા, તેલ, ગેસ ક્ષેત્રોને લગતી છે અને તે માટેનો અંદાજિત ખર્ચ રૂ. 7,500 કરોડનો છે.