નવી દિલ્હીઃ છેલ્લા સાત દિવસોથી ફ્યુઅલની કિંમતોમાં વધારા પછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી, પણ દેશનાં કેટલાંય રાજ્યોમાં ડીઝલની કિંમતો પ્રતિ લિટર રૂ. 100ને પાર પહોંચી છે. કેરળ, કર્ણાટક, ઓડિશા,આંધ્ર પ્રદેશ તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને લેહમાં ડીઝલની કિંમતો રૂ. 100ને પાર થઈ છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો અનુક્રમે પ્રતિ લિટર રૂ. 104.44 અને રૂ. 93.17 છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત રૂ. 110.41 પ્રતિ લિટર છે અને ડીઝલની કિંમત રૂ. 101.03 છે.
દેશના કોલકાતામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 105.09 અને ડીઝલની કિંમત રૂ. 96.28એ પહોંચી છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 101.79 અને ડીઝલની કિંમત રૂ. 97.59એ પહોંચી છે.
વિશ્વમાં ભારત બીજો સૌથી મોટો ઓઇલનો આયાતકાર દેશ છે. એટલે જ ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય કિંમતો મુજબ રાખવામાં આવે છે. વૈસ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો પ્રતિ બેરલ 80 ડોલરની આસપાસ ચાલી રહી છે.
દેશનાં 11 રાજ્યોમાં ડીઝલની કિંમતો પ્રતિ લિટર રૂ. 100ને પાર થવા પર કેન્દ્રીય રાજ્યપ્રધાન રામેશ્વર તેલીએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધુ નથી, એ તો પાણીથી પણ સસ્તું છે.એ એક પ્રકારે મફત રસીની ભરપાઈ કરી છે. તેમણે આવું આસામના એક કાર્યક્રમમાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઓઇલની કિંમતો વધુ નથી, પણ એમાં ટેક્સ વધુ છે.