દેશમાં 2-18 વર્ષના બાળકો માટે ‘કોવેક્સિન’-રસી મંજૂર

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર ભારતમાં ફેલાય એવી આશંકા વચ્ચે રાહત આપે એવા મોટા સમાચાર આવ્યા છે. ભારત સરકારે નિમેલા નિષ્ણાતોની સમિતિએ કોરોનાવાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટેની કોવેક્સિન રસી બેથી 18 વર્ષની વચ્ચેની વયનાં બાળકોને આપવા માટે આજે મંજૂરી આપી છે. આ વયજૂથનાં બાળકોને દેશમાં આ પહેલી જ કોરોના-પ્રતિરોધક રસી મંજૂર કરાઈ છે. નિષ્ણાત સમિતિની ભલામણને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)ને સુપરત કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આ વિશે ગાઈડલાઈન્સ બહાર પાડશે.

હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીએ 18 વર્ષથી નીચેની વયનાં બાળકો પર તેની કોવેક્સિન રસીની દ્વિતીય અને તૃતિય તબક્કાની અજમાયશો ગયા મહિને  પૂરી કરી હતી. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ તે ડેટાનો અભ્યાસ કર્યો હતો અને આ રસી 2-18 વર્ષની વચ્ચેની વયનાં બાળકોને અમુક શરતોને આધીન અને તાકીદની પરિસ્થિતિમાં આપવા માટે સુરક્ષિત હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે. કોવેક્સિન ભારતમાં ભારતીય ટેક્નોલોજીથી નિર્મિત પહેલી કોરોના-પ્રતિરોધક રસી છે જે પુખ્ત વયની વ્યક્તિઓને બે-ડોઝમાં આપવામાં આવે છે. પહેલા અને બીજા ડોઝ વચ્ચે 20-દિવસનું અંતર રાખવામાં આવે છે.