નવી દિલ્હીઃ દેશને ટૂંક સમયમાં જ નવા રાષ્ટ્રપતિ મળશે. 21 જુલાઈ સુધીમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવનાર છે. ચૂંટણી પંચે એ માટેનો કાર્યક્રમ આજે જાહેર કર્યો છે. 18 જુલાઈએ (જરૂર પડશે તો) રાષ્ટ્રપતિપદ માટે મતદાન થશે અને 21 જુલાઈએ પરિણામ જાહેર થશે. દેશના વડા ચૂંટણી કમિશનર રાજીવકુમારે આજે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું કે હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદત 24 જુલાઈ, 2022ના રોજ પૂરી થાય છે. એ પહેલાં દેશના નવા અને 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. ગયા વખતે, 2017માં 17 જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાઈ હતી.
રાજ્ય સભાના સેક્રેટરી જનરલ આ ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર તરીકે સેવા બજાવશે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદસભ્યો અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સહિત તમામ રાજ્યોની વિધાનસભાઓનાં ચૂંટાયેલાં સભ્યોની બનેલી ઈલેક્ટોરલ કોલેજ (મતદાર મંડળ) દ્વારા કરવામાં આવે છે. સંસદ, રાજ્ય વિધાનસભાઓનાં નિયુક્ત કરાયેલાં સભ્યો તથા વિધાનપરિષદોનાં સભ્યોને મત કરવાનો અધિકાર હોતો નથી.