રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં રજૂ કર્યું મોદી સરકાર 3.0નું વિઝન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદનાં સંયુક્ત સત્રને સંબોધિત કરતાં નવી સરકારનો રોડમેપ રજૂ કર્યો હતો. ભારત ઝડપથી વધતું અર્થતંત્ર છે. આર્થિક વિકાસને વેગ આપવામાં આવશે. આ વખતે બજેટમાં ઐતિહાસિક પગલાં જોવા મળશે. દેશના વિકાસ માટે આર્થિક સુધારાને ઓર તેજ કરવામાં આવશે, એમ તેમણે મોદી સરકાર 3.0નું વિઝન રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિએ આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરી હતી.

18મી લોકસભા પર રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સરકારે સેવા અને સુશાસનની ચળવળ ચલાવી છે. 18મી લોકસભા અમૃતકાળનાં પ્રારંભના વર્ષોમાં સ્થાપિત થઈ છે. તેમણે અર્થતંત્રથી માંડીને જળવાયુ પરિવર્તન અને રોજગારથી માંડીને પેપરલીક સુધીના મુદ્દા ભાષણમાં આવરી લીધા હતા. પેપરલીક મુદ્દે તેમણે કહ્યું હતું કે અમારી સરકાર નવો કાયદો લાવી છે.  તેમણે ઇમર્જન્સીનો બંધારણ પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો.

તેમના ભાષણમાં મુખ્ય વાતો નીચે મુજબ હતીઃ

  • દેશમાં નેશનલ હાઇવે બે ગણી ઝડપથી વધી રહ્યા છે.
  • ઉત્તર-પૂર્વ દક્ષિણી ભારતની બુલેટ ટ્રેન કોરિડોર માટે ફિઝિબિલિટી પર કામ કરવામાં આવી રહ્યું છે.
  • એપ્રિલ, 2014માં દેશમાં 209 એરલાઇન્સ રૂટ્સ હતા, જે એપ્રિલ 2024માં વધીને 605 થયા છે, જેનાથી ટિયર ટૂ અને ટિયર થ્રી શહેરોને લાભ થયો છે.
  • સરકાર ગ્રીન એનર્જી અને ગ્રીન મોબિલિટી પર મોટાં લક્ષ્યાં સાથે કામ કરી રહી છે.
  • પ્રદૂષણ અને સ્વચ્છ શહેરો પર છેલ્લાં 10 વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે.
  • રિફોર્મમ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના સંકલ્પે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવ્યું છે.
  • PM કિસાન નિધિ હેઠળ રૂ. 3.20,000 કરોડ આપવામાં આવ્યા છે. નવી સરકારના કાર્યકાલના પ્રારંભમાં જ ખેડૂતોને રૂ. 20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે. ખરીફ પાકોની MSPમાં રેકોર્ડ વધારો કરવામાં આવ્યો છે. ઓર્ગેનિક ઉત્પાદનોની માગને જોતાં સપ્લાય ચેઇનને મજબૂત કરવામાં આવી રહી છે.
  • ભારત વિશ્વના આર્થિક ગ્રોથમાં 15 ટકાનું યોગદાન આપી રહ્યો છે.
  • સરકાર દ્વારા ઉત્પાદન, સર્વિસિઝ અને કૃષિ ક્ષેત્રે મહત્ત્વ આપી રહી છે.
  • CAA હેઠળ સરકારે શરણાર્થીઓને નાગરિકતા આપવાનું શરૂ કર્યું.
  • સરકાર પેપર લીક તપાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. સરકાર પેપરલીક પર કાયદો લઈને આવી છે. પરીક્ષાઓની નિષ્પક્ષતા બહુ જરૂરી છે. પેપર લીકની નિષ્પક્ષ તપાસ થશે.
  • ત્રણ કરોડ મહિલાઓને લખપત્ દીદી બનાવવા માટે વ્યાપક ઝુંબેશ ચલાવાશે.
  • સોલર પેનલ માટે પ્રતિ પરિવાર રૂ. 78,000 સુધીની સરકારી મદદ.

 

આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો. કથિત લિકર પોલિસી નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલ  CBI કસ્ટડીમાં છે. મુર્મુના ભાષણ પછી સત્તારૂઢ પક્ષના સાંસદો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યાર બાદ વડા પ્રધાન મોદી બીજી કે ત્રીજી જુલાઈએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે.