પટનાઃ રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે આજે સત્તાવાર રીતે રાજકય પાર્ટી લોન્ચ કરી છે. તેમની પાર્ટીનું નામ જન સુરાજ પાર્ટી છે. આ પહેલાં તેઓ બે વર્ષ સુધી જન સુરાજ યાત્રા દ્વારા બિહારના ગામોમાં, શહેરોમાં પદયાત્રા કરી ચૂક્યા છે.
રાજ્યના રાજકારણમાં એક નવી પાર્ટીનો પ્રવેશ થયો છે. પ્રશાંત કિશોર ઉર્ફે PKએ પોતાના સંગઠનને રાજકીય પક્ષમાં ફેરવી દીધું છે. પીકેની નવી પાર્ટીનું નામ જન સુરાજ પાર્ટી રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે તમારે બધાને જય બિહાર એટલી જોરથી બોલવાનું છે કે કોઈ તમને કે તમારા બાળકને બિહારી ના કહે અને એ એક ગાળ જેવું ના લાગે.તમારો અવાજ દિલ્હી સુધી પહોંચવો જોઈએ.પટનામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડમાં જન સુરાજ પાર્ટીની રચના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જન સુરાજ સાથે જોડાયેલા રાજ્યભરમાંથી લોકો પટનામાં એકઠા થયા છે. સભા સ્થળે એક અનોખો સ્ટેજ બનાવવામાં આવ્યો છે, જેના પર 5000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. સ્ટેજ પર જામર લગાવવામાં આવ્યા છે, જેને કારણે મોબાઈલ ફોન કામ કરી રહ્યા નથી. PKની નવી પાર્ટીની રચના પહેલાં સીતામઢીના પૂર્વ સાંસદ સીતારામ યાદવ અને પૂર્વ મંત્રી રઘુનાથ પાંડેની પુત્રવધૂ વિનીતા વિજય જન સૂરજમાં જોડાયા હતા.
જન સુરાજ અભિયાન રાજકીય પક્ષ બનવાની સાથે તેના નેતા, નેતૃત્વ પરિષદ, બંધારણ અને અન્ય બાબતોની પણ થોડા સમયમાં જાહેરાત કરવામાં આવશે.પ્રશાંત કિશોર પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા લોકોમાં રહેશે નહીં. પ્રશાંત કિશોર જન સુરાજ અભિયાન હેઠળ રાજ્યમાં પદયાત્રા પર છે. તેમની પદયાત્રા અત્યાર સુધીમાં 17 જિલ્લામાં નીકળી છે. બે વર્ષમાં તેમણે લગભગ પાંચ હજાર કિલોમીટર ચાલીને 5500થી વધુ ગામડાંઓની મુલાકાત લીધી હતી.