વૈદિક મંત્રોચ્ચારની સાથે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન

અયોધ્યાઃ એવું લાગી રહ્યું છે કે શ્રીરામનો વનવાસ આજે પૂરો થયો છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની મૂર્તિની આંખો પરથી સોનાની શલાકાથી પટ્ટી દૂર કરવામાં આવી છે.  પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને અંતે વડા પ્રધાન મોદીએ દંડવત પ્રણામ કર્યા છે. ત્યાર બાદ વડા પ્રધાને સંતોના આશીર્વાદ લીધા હતા. સંતોએ તેમને ગિફ્ટમાં અંગૂઠી આપી હતી.  ત્યાર બાદ રામલલ્લાની પ્રતિમાને જોઈને લોકો મંત્રમુગ્ધ થયા છે.

પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન દરમ્યાન વડા પ્રધાન મોદીએ રામલલ્લાની પૂજા-અર્ચના કરી છે. ત્યાર બાદ તેમણે રામલલ્લાને ચાંદીનું છત્ર સમર્પિત કર્યું છે. અયોધ્યામાં રામલલ્લાની પહેલા સંપૂર્ણ ફોટો સોશિયલ મિડિયામાં વાઇરલ થયા છે. રામલલ્લા પીતાંબર વસ્ત્રમાં સજ્જ છે. તેમના હાથમાં કોદંડ અને તીરકમાન છે.

વડા પ્રધાન મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સંપન્ન થવા પર કહ્યું હતું કે અયોધ્યા ધામમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની અલૌકિક ક્ષણ દરેક જણને ભાવવિભોર કરનારી છે. તેમણે સંદેશમાં કહ્યું હતું કે આ દિવ્ય કાર્યક્રમનો ભાગ બનવું મારા માટે સૌભાગ્ય છે. જય સીયારામ.

 આ પ્રસંગે જગદગુરુ રામભદ્રાચાર્યે કહ્યું હતું કે ભારત અને વિશ્વમાં રહેતા બધા સનાતનીઓને શુભકામના આપતાં કહ્યું હતું કે આજનો દિવસ પાવન છે. લોકો ભાગવાન રામનાં મૂલ્યોને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે. આજે કળિયુગ પર ત્રેતા યુગની છાયાન પડી રહી છે. એવું લાગી રહ્યું છે કે ભગવાન રામ વનવાસથી અયોધ્યા પરત ફરી રહ્યા છે.